વડોદરા, તા. ૫

શહેરમાં ભાજપાના કોર્પોરેટર અને અગ્રણીઓ પર હુમલાના બનાવો યથાવત રહ્યા છે. નજરબાગ પાછળ ભેંસવાડામાં આવેલા સન્યાસ આશ્રમના સીસીટીવી કેમેરાના વાયરો કાપવાના મુદ્દે ગત મોડી સાંજે થયેલી બોલાચાલીમાં લઘુમતિ કોમના બે યુવકોએ ભાજપાના પુર્વકોર્પોરેટર ચંદ્રકાન્ત ઠક્કરને અપશબ્દો બોલી લાફા ઝીંકતા ઉશ્કેરાટ ફેલાયો હતો. જાેકે પરિસ્થિતિ વણસે તે અગાઉ જ સિટી પોલીસે બંને હુમલાખોરને ઝડપી પાડી મામલો થાળે પાડ્યો હતો.

નજરબાગની પાછળ મોટીછીપવાડ સ્થિત ભેંસવાડામાં રહેતા ભાજપાના પુર્વ કોર્પોરેટર ૬૫ વર્ષીય ચંદ્રકાન્ત છોટાલાલ ઠક્કર ગઈ કાલે મોડી સાંજે તેમના ઘર પાસે આવેલા સન્યાસ આશ્રમ મંદિર ખાતે ગયા હતા. તેમણે મંદિર પાસે બેઠેલા સમીર હનીફ જમાદાર અને અયાઝ મહેબુબખાન પઠાણ (બંને રહે. નુરાની મસ્જીદ પાસે, ભેંસવાડા)ને પુછ્યુ હતું કે સન્યાસ આશ્રમ મંદિરે લગાવેલા સીસીટીવી કેમેરાના વાયરો કોઈએ કાપ્યા છે તેની તમને ખબર છે ?. જાેકે આ મુદ્દે બોલાચાલી થતાં ઉક્ત બંને યુવકોએ ચંદ્રકાન્ત ઠક્કરને અપશબ્દો બોલી જાહેરમાં લાફા ઝીંક્યા હતા.

આ બનાવની જાણ થતાં સંવેદનશીલ વિસ્તારમાં ઉશ્કેરાટ ફેલાયો હતો. જાેકે બનાવની જાણ થતાં જ સિટી પીઆઈ કિરીટસિંહ લાઠિયા સહિતના સ્ટાફે તુરંત ઉક્ત સ્થળે દોડી જઈ બંને હુમલાખોરોની ધરપકડ કરતા મામલો થાળે પડ્યો હતો.