કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું કોરોનાને કારણે નિધન
04, નવેમ્બર 2020

બનાસકાંઠા : ગુજરાતમાં મંગળવારના રોજ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે એવામાં કોરોના મહામારીમાં યોજાઇ રહેલી પેટાચૂંટણી વચ્ચે ગુજરાત કોંગ્રેસ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસિંહ ખાનપુરાનું કોરોનાને કારણે મોત નિપજ્યું છે.નોંધનીય છે કે, તેઓ અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલમાં એક મહીનાથી દાખલ હતાં. ત્યારે ટૂંકી માંદગી બાદ કોરોનાની સારવાર દરમ્યાન તેમનું હોસ્પિટલમાં જ નિધન થયું છે. ધારસિંહ ખાનપુરા કાંકરેજ તાલુકાના વડા ગામના વતની હતા. અનેક વખત તેઓ કાંકરેજના ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે. ખાનપુરાના નિધનથી ઠાકોર સમાજના લોકોને મોટી ખોટ પડી છે.અત્રે નોંધનીય છે કે, ધારસિંહ ખાનપુરાના નિધનને લઇ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટિ્‌વટ કરીને શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટિ્‌વટ કરીને લખ્યું કે, ‘બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય ધારસીભાઈ ખાનપુરાના અવસાનથી દુઃખની લાગણી અનુભવું છું. શોકગ્રસ્ત પરિવાર અને એમના શુભેચ્છકોને સાંત્વના. ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.’

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution