વડોદરા, તા. ૧૬

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રસ્તે રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા માટે ઢોરો પકડવાની સાથે ટેગીંગની કામગીરી પણ ડોર ટુ ડોર કરવામાં આવી હતી.પરંતુ હવે આવતિકાલ થી કોર્પોરેશને જે કોઈ રખડતા પશુ પકડ્યા હશે તે છોડાવવા માટે પશુ માલિકોએ પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવેલું હોવું જરૂરી રહેશે. અને જાે ટેગીંગ નહી કરાવેલ હોંય તો તેવા પશુને હવે પાલિકા દ્વારા છોડવામાં નહી આવે.

 શહેરમાં રખડતા ઢોરોને કારણે રોડ પર અકસ્માતના બનાવો, ટ્રાફિક સમસ્યા અને ગંદકીના પ્રશ્નો ઉદભવે છે.ઉપરાંત પશુઓના કારણે અકસ્માતો થતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે .આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવા માટે પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન થાય તે અંગે અગાઉ જાહેરનામું બહાર પાડ્યું હતું, અને કોર્પોરેશને તારીખ ૨૪ જાન્યુઆરીના રોજ સમગ્ર સભામાં ઠરાવ પણ કર્યો હતો કે રજિસ્ટ્રેશન અને ટેગિંગ વિનાના નધણિયાત પશુઓને હવે છોડવા નહીં. કોર્પોરેશને પશુઓના માલિકને પોતાના પશુઓ ના કાગળો રજૂ કરી રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવી લેવા સૂચના આપી છે. જે કોઈ પશુનું બચ્ચું જન્મે તેનું ૬ મહિનામાં રજીસ્ટ્રેશન અને ટેગિંગ કરાવી લેવાનું રહેશે .

જ્યારે કોઈ પશુઓની ખરીદી કે વેચાણ કર્યું હોય અથવા પશુનું મરણ થયું હોય તો કોર્પોરેશનની ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગની ઢોર શાખામાં દિન ૧૫ માં જાણ કરી દેવાની રહેશે. અને પશુપાલકોએ પોતાનું રજિસ્ટ્રેશન કે ટેગિંગ નહીં કરાવ્યું હોય તો આવા પશુઓને કોર્પોરેશન છોડશે નહીં. કોર્પોરેશન દ્વારા અત્યાર સુધીમાં ૩૫ હજારથી વધુ પશુઓનું ટેગિંગ કરાયું છે, અને પશુપાલકોએ ઢોર નહીં છોડાવતા આશરે ૧૮૯૪ પશુઓને શહેરની બહાર પાંજરાપોળ અને ગૌશાળાઓમાં મોકલી દીધા છે .જ્યારે ડોર ટુ ડોર રજીસ્ટ્રેશન હેઠળ ૮૩૦૦ પશુઓનું ટેગિંગ સાથે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.ઉલ્લેખનિય છે કે, ડોર ટુ ડોર ટેગીંગની કાર્યવાહી છતા હજુ કેટલાક ગૌપાલકોએ પશુઓનુ ટેગીંગ કરાવ્યુ નથી.

૫ગાર સિવાયની ‘બેઠ્ઠી આવક’

રખડતી ગાયોને પકડવાનું કામ પોલીસ વિભાગનું છે એમ કહી જવાબદારીમાંથી હાથ ખંખેરી સમસ્યાને વારંવાર ‘ખો’ આપી ચૂકેલી પાલિકાની ઢોરપાર્ટીની અને વર્દીના જાેરે લગભગ તમામ પ્રકારના ગુના સ્વયં આચરવા માટે છાશવારે બદનામ થઈ રહેલી પોલીસ ‘ગાયો પકડવા જેવી ક્ષુલ્લક’ કામગીરી નહીં કરી પશુપાલકો પાસેથી ‘બેઠ્ઠી ઉપલી આવક’ રળતા હોવાનો આ સાંયોગિક પુરાવો ન ગણાય? તસવીર ઃ કેયુર ભાટીયા

વડોદરા કોર્પોરેશનની ઢોરપાર્ટી ગાયને પકડવા જતાં ગાય સોસાયટીનો ગેટ તોડીને ભાગી ગઈ!

વડોદરા, તા.૧૬

બે દિવસ પૂર્વે ઢોર પાર્ટી પ્રતાપનગર વિસ્તારમાં રખડતી ગાયો પકડવા માટે ગઇ હતી. ગાય ઢોર પાર્ટીના માણસોને જાેઇને ઢોરવાડામાં જવાથી બચવા ગોયાગેટ સોસાયટીમાં ઘૂસી ગઇ હતી. ઢોર પાર્ટીના માણસોએ એનો પીછો કરી ગોયાગેટ સોસાયટીમાં ઘૂસેલી ગાયને પકડી લીધી હતી અને એ છટકી ન જાય એ માટે સોસાયટીના મકાનનો લોખંડનો ગેટ બંધ કરી દીધો હતો.દરમિયાન કોર્પોરેશનની ઢોર પાર્ટીના માણસો પકડાયેલી ગાયને દોરડાથી બાંધીને સોસાયટીમાંથી બહાર લાવી રહ્યા હતા, પરંતુ ઢોર ડબ્બામાં જવા ન ઇચ્છતી આ ગાય ઢોર પાર્ટીના એક કર્મચારીને જમીન પર પટકીને દરવાજાે તોડીને ભાગી છૂટી હતી. ઢોર પાર્ટીની મહેનત પાણીમાં ગઇ હતી અને ગેટ તૂટી જતાં હજારો રૂપિયાનું નુકસાન થયું હતું.બે દિવસ પહેલાં બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના લોકોને ક્યારે રસ્તા પર રખડતી ગાયોથી મુક્તિ મળશે એ કહેવું મુશ્કેલ છે