વડોદરા : કોરોનાના વધી રહેલા કેસોને પગલે સફાળા જાગેલા તંત્રે એકશન પ્લાન બનાવી સરકારની ગાઈડલાઈનના ચુસ્ત અમલીકરણ અને લોકોમાં જનજાગૃતિના સમન્વય સાથે આવતીકાલથી કામગીરી કરવાનો તેમજ વોર્ડદીઠ ફલાઈંગ સ્કવોર્ડ તેમજ શહેરમાં ૧૨૦ હોટસ્પોટ નક્કી કરી પાલિકા અને પોલીસ વિભાગની સંયુક્ત ટીમો બનાવી કડક કાર્યવાહી કરવાનો નિર્ણય ઓએસડી ડો. વિનોદ રાવના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના ધારાસભા હોલ ખાતે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. 

દિવાળી પર્વ બાદ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે એકશન પ્લાન બનાવવા માટે ઓએસડી ડો. વિનોદ રાવના અધ્યક્ષસ્થાને મ્યુનિ. કમિશનર પી.સ્વરૂપ, પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ, જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ તેમજ પાલિકા, પોલીસ વિભાગ અને કલેકટર કચેરીના ઉચ્ચ અધિકારીઓની એક સંયુક્ત બેઠક મળી હતી. જેમાં નિયમોનું કડકાઈથી પાલન કરાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠક બાદ ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, નિયમોનું કડકાઈથી અમલીકરણ અને લોકોમાં જનજાગૃતિ માટે સખ્તાઈથી કામગીરી કરવામાં આવશે. જેમાં શાકભાજી માર્કેટ કે જ્યાં વધુ ભીડ થતી હોય તેવા વોર્ડદીઠ ૧૦-૧૦ મળીને ૧૨૦ હોટસ્પોટ નક્કી કરાશે. ત્યાં પોલીસ અને પાલિકાની સંયુક્ત સ્ટેટિક સ્ટેશનરી ટીમ તહેનાત કરાશે. આ ટીમ માસ્ક કે નિયમોનો ભંગ કરનાર સામે દંડનીય કાર્યવાહી કરશે સાથે સાથે લોકોમાં જાગૃતિ માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ મુકાશે.

આ ઉપરાંત વોર્ડદીઠ બે ફલાઈંગ સ્કવોર્ડની રચના કરાશે જે દુકાનો વગેરેમાં માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સ વગેરેનો ભંગ જણાશે તો તેવી દુકાનો ત્રણ દિવસ માટે સીલ કરાશે, સાથે સાથે ઝોનદીઠ વધારાના ફલાઈંગ સ્કવોર્ડની રચના કરાશે જે મોટા શાકમાર્કેટ, મોલ, મલ્ટિપ્લેક્સ વગેરેમાં ચેકિંગ કરાશે. ત્યાં પણ કોઈ નિયમોનો ભંગ જણાશે તો સીલ કરવાની કાર્યવાહી કરાશે. વધુમાં તેમણે કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિ વડોદરામાં હાલ નિયંત્રણમાં છે પરંતુ જે રીતે ૧૫ દિવસમાં ડબલિંગ થાજય છે તેને અટકાવવા માટે આ સાયકલ તોડવાના ઉદ્દેશ સાથે સંભવિત સ્થિતિને અટકાવી શકમાય તે માટે આ સંયુકત રીતે પ્રયાસ છે તેમજ પેનિક કરતા પ્રિકોશનની જરૂર છે તેમ જણાવ્યું હતું. આમ કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા માટે એન્ફોર્સમેન્ટ અને અવેરનેસના સમન્વય સાથે કોવિડનો ફેલાવો અટકાવવા વ્યૂહરચના ઘડાઈ હતી.

હવે આવતીકાલથી માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગેરેનો ભંગ કરનાર સામે તેમાંય ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ પર નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા સખ્તાઈથી કામગીરી કરાશે અને સ્થળ પર જ દંડનીય કે સીલ મારવાન કાર્યવાહી કરવામાં આવશે.