વડોદરા : વડોદરા પોલીસ જે કામ ના કરી શકી એ રાજ્યના સીઆઈડી વિભાગે કરી બતાવ્યું છે. ફતેગંજ પોલીસ મથકની કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં સીઆઈડી તપાસની ધોંસ વધતાં અને વડીઅદાલતના આકરા વલણ બાદ હત્યાના આરોપી પીઆઈ ગોહિલ, પીએસઆઈ રબારી અને ચાર પોલીસ કોન્સ્ટેબલો મળી છ જણાને આજે સીઆઈડી વિભાગની કચેરી ખાતે એકસાથે હાજર થવાની ફરજ પડી હતી. સીઆઈડી ક્રાઈમના એસપી ગિરીશ પંડયાના જણાવ્યા અનુસાર આજે બપોર બાદ સવા ચાર વાગે ફતેગંજ પોલીસ મથકમાં જ થયેલી હત્યાના આરોપીઓ પીઆઈ ડી.બી.ગોહિલ, પીએસઆઈ ડી.એમ.રબારી સહિત ચાર પોલીસ કોન્સ્ટેબલોએ એકસાથે જ સમર્પણ કર્યું હતું. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે છ જણાને કોરોનાના ટેસ્ટ માટે લઈ જવાયા હતા, એનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી થશે. જાે નેગેટિવ રિપોર્ટ આવશે તો એફઆઈઆર ફતેગંજમાં નોંધાઈ હોવાથી આ છ આરોપીઓને વડોદરા પણ લવાશે. એસપી ગિરીશ પંડયાએ વધુ જણાવ્યું હતું કે, વડીઅદાલતે વડોદરા પોલીસ પાસેથી તપાસ લઈ સીઆઈડીને સોંપ્યા બાદ જુદી જુદી ચાર ટીમો બનાવી હતી અને છ આરોપીઓના નિવાસસ્થાન, વતન અને સંભવિત આશ્રયસ્થાનોએ વારંવાર તપાસ માટે જતા હતા. હાઈકોર્ટમાં પીઆઈએ વડોદરા પોલીસની એફઆઈઆર રદ કરવા કરેલી અરજી પણ પરત ખેંચવાની ફરજ પડયા બાદ આરોપીઓ પાસે બચવાનો કોઈ વિકલ્પ જ નહીં રહેતાં અંતે સમર્પણ કરવા સિવાય કોઈ રસ્તો જ નહોતો. 

બીજી તરફ વડોદરા પોલીસ લાંબા સમય સુધી છ આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેતાં અદાલતે તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપતાં શહેર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. જાણકારોના જણાવ્યા મુજબ ગુનો આચર્યો એ સમયથી જ સાથે રહેલા છએ છ આરોપીઓ છેક છેલ્લે એટલે કે સમર્પણ કરતાં સુધી પણ સાથે જ રહ્યા છે, ત્યારે તમામ આરોપીઓ પોલીસ વિભાગમાં કામગીરી કરી ચૂકયા હોવાથી રિમાન્ડ દરમિયાન કબૂલાત કરાવવી અશક્ય હોવાથી આ તમામનો પોલિગ્રાફિક ટેસ્ટની પણ માગણી કરાશે, એ હાઈકોર્ટમાં કેસની પેરવી કરનાર એડ્‌વોકેટ ઈમ્તિયાઝ કુરેશીએ જણાવ્યું છે. જ્યારે ભોગ બનેલા શેખ બાબુના પરિવારને પણ હવે ન્યાયની આશા જાગી છે.