ગાંધીનગર: બાઇક ઉપર આવેલા શખ્સો કોન્ટ્રાક્ટરના 5 લાખ રૂપિયા લઈ છૂમંતર
22, ઓક્ટોબર 2020

ગાંધીનગર-

રાજ્યનું પાટનગર ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ ગાંધીનગરમાં સામાન્ય બનતી જાય છે. ત્યારે ધોળા દિવસે સેક્ટર-3 ન્યુમાં ઘર પાસે પડેલી કારનો કાચ તોડી પાંચ લાખ રૂપિયાની રકમ લઈ ત્રણ શખ્સો ફરાર થયા હતા. આ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં સે-3-ન્યૂ ખાતે બુધવારે બપોરે બિલ્ડરની કારનો કાચ તોડીને પાંચ લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ છે. બિલ્ડર ગણપતભાઈ પરમારના મકાનનું રિનોવેશન ચાલી રહ્યું હતુ. જેને પગલે તેઓ કાર લઈને મકાનનું કામ જોવા માટે આવ્યા હતા. બપોરના સમયે એક બાઈક પર ત્રણ શખ્સો આવ્યા હતા. જેમાંથી એક બગીચા પાસે બાઈક લઈને ઉભો રહ્યો હતો. બીજો શખ્સ કોમન પ્લોટ ખાતે ઉભો રહ્યો હતો અને ત્રીજો વ્યક્તિ કાર પાસે પહોંચ્યો હતો. જેણે કટરથી કાચ કાપીને થેલો ઉઠાવી ફરાર થયો હતો. ઘરમાં કામ કરતાં એક મજૂરે ઘટના જોઈ જતા તેણે ચોર-ચોરની બુમો પાડી હતી. જેને પગલે બિલ્ડર ગણપતભાઈ સહિતના લોકો બહાર દોડી આવ્યા હતા. તેઓએ શખ્સોનો પીછો કર્યો હતો પરંતુ તે પહેલાં તો તેઓ છૂ થયા હતા. બાઈક પર આવેલા ત્રણેય શખ્સો લઈ ગયેલા થેલામાં અંદાજે પાંચ લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે બિલ્ડર ગણપતભાઈએ પોલીસને જાણ કરતાં સે-7 પોલીસનો સ્ટાફ દોડી આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી હતી. પોલીસે હવે સમગ્ર મુદ્દે રસ્તા પર સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution