09, જાન્યુઆરી 2025
સુરત, ડુમસ રોડ ઉપર સાયલન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટીકાર્ડને આધારે કરોડો રૂપિયાની જમીનો વેચવાનાં કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમનાં અધિકારીઓ તપાસ કરી રહ્યાં છે ત્યારે આ કૌભાંડની ગુંજ ગાંધીનગરમાં સંભળાતા સરકારે પણ કૌભાંડની ગંભીરતા ધ્યાનમાં રાખી તપાસનાં આદેશ આપ્યાં છે. ગાંધીનગરનાં વિજિલન્સ વિભાગનાં એડિશનલ કલેક્ટરની આગેવાની હેઠળ એક ટીમ આજે સુરત આવી પહોંચી હતી અને કલેક્ટરાલય તેમજ સિટી સર્વે વિભાગનાં અધિકારીઓ પાસે દસ્તાવેજાે મગાવીને ચકાસણી હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ડુમસ રોડ ઉપર એરપોર્ટની સામે ગવિયર, વાટા ગામની લાખો ચોરસવાર જમીન ખરીદીને સાયલન્ટ ઝોન નામથી મોટો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો હતો. વર્ષ-૨૦૦૪માં નરેશ શાહ(વિડિયો), મનહર કાકડિયા, લોકનાથ ગંભીર અને જયપ્રકાશ આસવાનીએ ભાગીદારીમાં પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. ચારેય ભાગીદારોએ રસિક લલ્લુ પટેલનાં નામે ખેલ કર્યો અને રેવેન્યુ રેકર્ડ ઉપર જમીન માલિક બનેલા રસિક પટેલે આઝાદ રામોલિયાને ઝાંસામાં લઇ સમૃદ્ધિ કોર્પોરેશનની જમીનનાં દસ્તાવેજ કરાવી લીધાં હતાં. આઝાદ રામોલિયાએ સમૃદ્ધિ કોર્પોરેશનનાં ભાગીદારો તેમજ સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલ સહિત કલેક્ટરાલયનાં અધિકારીઓ વિરૂદ્ધ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં મામલો ગરમાયો હતો. સીઆઇડી ક્રાઇમનાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર કેપ્ટને તપાસનો મોરચો સંભાળ્યો છે ત્યારે રાજ્ય સરકારે બીજી તરફ સુરત જિલ્લા પંચાયત, સુડા અને સુરત મહાનગર પાલિકાનાં અધિકારીઓ કે કર્મચારીઓની ભૂમિકા તેમજ સમગ્ર કૌભાંડ કેવી રીતે થયું તેની તપાસ કરવા માટે રેવેન્યુ ઇન્સ્પેક્શન કમિશનની એક ટીમ સુરત મોકલી છે. સરકારનાં આદેશને પગલે ગાંધીનગરનાં વિજિલન્સ વિભાગનાં એડિશનલ કલેક્ટર કોમલ પટેલની આગેવાની હેઠળ અધિકારીઓની એક ટીમ સુરત આવી પહોંચી હતી. કોમલ પટેલ અને તેમની ટીમે તપાસની શરૂઆત કલેક્ટરાલયથી કરી હતી. કલેક્ટરાલય અને સિટી સર્વે વિભાગનાં અધિકારીઓ પાસેથી સાયલન્ટ ઝોન સંબંધિત થયેલાં દસ્તાવેજાે, પ્રોપર્ટીકાર્ડ, રેવેન્યુ રેકર્ડ ઉપર થયેલી નોંધ અને અન્ય ડેટા સહિતની વિગતો માંગી હતી. ગાંધીનગરની ટીમે શરૂ કરેલી તપાસને પગલે કલેક્ટરાલયનાં અધિકારીઓ તેમજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સીઆઇડી ક્રાઇમનાં અધિકારીઓ માટે મહેસુલ વિભાગની બાબત સમજવી અઘરી હોવાથી તપાસ ધીમી ગતિએ ચાલી રહી છે જાે કે, હાઇકોર્ટે બિલ્ડર નરેશ શાહ અને સિટી સર્વે સુપરિન્ટેન્ડન્ટ અનંત પટેલની એફ.આઇ.આર. ક્વોશિંગ પીટિશન નામંજૂર કરવાનું વલણ અપનાવતાં બંનેએ પોતાની પીટિશન પાછી ખેંચી લીધી હતી જેનાથી નરેશ શાહ, અનંત પટેલ સહિતનાં બિલ્ડરો અને અધિકારીઓની ધરપકડનો માર્ગ મોકળો બન્યો છે. સીઆઇડી ક્રાઇમનાં ઇન્સ્પેક્ટર પાસેથી તપાસ લઇને આસિસ્ટન્ટ કમિશનર કેપ્ટનને સોંપવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે સીઆઇડી ક્રાઇમ વિભાગમાં કોઇ અરજી કરવામાં આવે ત્યારે અધિકારીઓ નક્કર પુરાવા એકત્ર કરે ત્યારબાદ જ ગુનો નોંધવાની તજવીજ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવતી હોય છે. પરંતુ સાયલન્ટ ઝોનમાં બોગસ પ્રોપર્ટી બનાવીને કરોડો રૂપિયાની જમીનોનાં દસ્તાવેજાે બનાવી દેવાનાં કૌભાંડમાં વર્ષો જુનાં રેકર્ડની ચકાસણી કરવાની હોવાથી સીઆઇડી ક્રાઇમનાં અધિકારીઓ પણ ચકરડે ચઢ્યાં છે. કલેક્ટરાલય અને સિટી સર્વે વિભાગમાં જે રેકર્ડ ઉપલબ્ધ સાયલન્ટઝોન પ્રોજેક્ટ માટે ફેબ્રુઆરી-૨૦૦૪માં શહેરના ચાર મોટા બિલ્ડરોએ હાથ મિલાવ્યો હતો. આ ચાર બિલ્ડરો વચ્ચે થયેલા ભાગીદારી કરારમાં નરેશ નેમચંદ શાહનો હિસ્સો ૪૦ ટકા હતો. મનહર મુળજીભાઈ કાકડીયા (રહે. સિટીલાઈટ સોસાયટી, ઉમરા, સુરત), લોકનાથ લોરેન્દામલ ગંભીર (રહે. સાયલન્ટ ઝોન, ડુમ્મસ, સુરત), જયપ્રકાશ ખાનચંદ આસવાની (રહે, સાયલન્ટ ઝોન, ડુમ્મસ, સુરત) વીસ વીસ ટકાના ભાગીદાર હતા. પ્રોજેક્ટ માટે સાત લાખ વાર જેટલી જમીન ખરીદાયાનું કહેવાય છે. આઝાદ રામોલિયાએ સીઆઇડી ક્રાઇમમાં આ મામલે તપાસ માટે અરજી કરી હતી. સીઆઇડી ક્રાઇમે હવે બોગસ પ્રોપર્ટી કાર્ડ સંદર્ભનાં તમામ દસ્તાવેજાેની ચકાસણી હાથ ધરી છે.
મહાનગર પાલિકાએ બાંધકામની કોઇ જ મંજૂરી આપી નથી છતાં સેંકડો મકાનો બની ગયા
સાયલન્ટ ઝોનમાં બિલ્ડરોએ પ્લોટો પાડીને તેનાં દસ્તાવેજાે બનાવી વેચી દીધાં હતાં. હજારો ચોરસવાર જમીનમાં સંખ્યાબંધ ફાર્મહાઉસો અને સેંકડો મકાનો બનાવી દેવામાં આવ્યાં છે. પહેલાં સાયલન્ટ ઝોનનો વિસ્તાર સુડામાં સમાવિષ્ટ હતો પરંતુ ત્યારપછી સુરત મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં સમાવેશ થયાં પછી પણ મહાનગર પાલિકાનાં અધિકારીઓએ સાયલન્ટ ઝોનમાં એક પણ મકાન માટે પ્લાન મંજૂર કર્યો નથી એટલે કે સાયલન્ટ ઝોનમાં ફાર્મ હાઉસોમાં બની ગયેલાં સેંકડો મકાનો ગેરકાયદેસર છે. વર્ષોથી આ ગેરકાયદે મકાનોનું અસ્તિત્વ છે પરંતુ તેને તોડી પાડવાની હિંમત મહાનગર પાલિકાનાં અધિકારીઓએ કરી નથી. મકાનોનાં પ્લાન મંજૂર કરવામાં આવ્યાં નથી પરંતુ ઇમ્પેક્ટ ફીનાં કાયદા હેઠળ મોટાભાગનાં મકાનોનાં ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપવામાં આવી હોવાનું કહેવાય છે. ઇમ્પેક્ટ ફીનાં કાયદા હેઠળ ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપવાથી જમીનની માલિકીનો અઘિકાર મળી જતો નથી તેવું મહાનગર પાલિકાનાં અધિકારીઓએ જણાવ્યું હતું.