ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના મહામારીના સંકટ વચ્ચે પણ નવરાત્રિ ગરબા મહોત્સવના આયોજનને લઈને હજુ પણ ખેલૈયા સહિતના ગરબા પ્રેમીઓમાં ઉત્સુકતા દિન પ્રતિદિન વધી રહી છે. જો કે આ મામલે ગુજરાત સરકાર હજુ સુધી કોઈ મહત્વપૂર્ણ ર્નિણય લઈ શકી નથી. હવે નવરાત્રિ મહોત્સવ માત્ર એક પખવાડિયું દૂર છે તેમ છતાં નવરાત્રી ગરબાની મંજૂરી આપવાના મામલે ગુજરાત સરકાર અવઢવમાં છે. આ પૂર્વે મોટા મેદાનમાં નવરાત્રી - ગરબાને મંજૂરી નહીં આપવામાં આવે એવી જાહેરાત કરવામાં આવી હતી. આ પછી આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ નવો સૂર છેડ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું, રાજ્યમાં ૨૦૦ વ્યક્તિઓ સાથે રિઓપનની નવી માર્ગદર્શિકા અનુસાર નવરાત્રી -ગરબા મહોત્સવનું આયોજન થઈ શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ દિવસ પૂર્વે એટલે કે, ગત તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટા નવરાત્રી - ગરબા આયોજનની મંજૂરી આપવામાં આવે તેવી હાલમાં કોઈ શક્યતા નથી. એટલું જ નહી ગ્રામીણ વિસ્તારોમાં કે પછી શહેરી વિસ્તારોમાં શેરી-ગરબાના આયોજન અંગે કેવી રીતે મંજૂરી આપવી? તે મામલે રાજ્ય સરકાર દ્વારા હાલમાં કોઈ ર્નિણય લેવાયો નથી. જો કે, ધાર્મિક માન્યતાઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની નવી માર્ગદર્શિકા પ્રસિદ્ધ થાય અને તેમાં જે પ્રકારની છૂટછાટો આપવામાં આવે તેને અનુલક્ષીને આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ ર્નિણય લેવામાં આવશે.આ અગાઉ ગુજરાતમાં યોજાતા રાજયકક્ષાના વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહિતના તમામ મોટા નવરાત્રી - ગરબાના આયોજકો ગરબાનું આયોજન કરવાનો ઇનકાર કરી ચૂક્યા છે. જયારે ગત તા. ૨૬ મી સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરીને જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સંકટને ધ્યાનમાં રાખીને અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ (જીએમડીસી ગ્રાઉન્ડ)માં યોજાનારા રાજ્ય કક્ષાના વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને રાજ્ય સરકારે આ વર્ષે રદ કર્યો છે.