આણંદ : ગત મંગળવારે આણંદ પાલિકાનો ચૂંટણી જંગ પૂર્ણ થતાં પાલિકાની બાવન પૈકી ૩૬ બેઠક પર ભાજપ, ૧૪ પર કોંગ્રેસ અને ૨ બેઠક પર અપક્ષનો વિજય થયો હતો. ભાજપે સ્પષ્ટ બહુમત મેળવતાં પાલિકામાં અઢી વર્ષ માટે મહિલા પ્રમુખની નિમણૂકને લઈને ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. કયા પાટીદાર મહિલા પર કળશ ઢોળાશે? ઉપપ્રમુખપદ માટે ક્યા ક્ષત્રિયની પસંદગી થશે? વગેરે બાબતોને લઈને ચર્ચા હોટ ટોપિક બની છે! આ ઉપરાંત કોંગ્રેસમાં વિપક્ષના નેતાની ખુરશી પર બેસવા હોડ શરૂ થઈ ગઈ છે. વિપક્ષના નેતાપદે પણ મહિલા સશક્તિકરણથી મહિલાને બેસાડવા કોંગ્રેસમાં માગ ઊઠી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગત મંગળવારે આણંદ પાલિકાની ચૂંટણીની મતગણતરી પૂર્ણ થતાં પાલિકાના ૧૩ વોર્ડની બાવન પૈકી ત્રણ બેઠક અગાઉથી જ બિનહરીફ થતાં ૪૯ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપે ૩૬, કોંગ્રેસે ૧૪ અને ૨ પર અપક્ષે કબજાે કર્યો હતો. પાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં હવે પ્રમુખ, ઉપપ્રમુખ પદે માનીતાઓને બેસાડવા હોડ જામી છે. પક્ષમાં જ પોતાના ઉમેદવારને બેસાડવા માટે લોબિંગ થઈ રહ્યું છે.

આણંદ પાલિકામાં પ્રથમ ટર્મ, એટલે કે, પહેલાં અઢી વર્ષ પ્રમુખ પદ મહિલા સામાન્ય હોય પાટીદાર સમાજમાંથી મહિલાને બેસાડવામાં આવે તેવી શક્યતા જાેવાઈ રહી છે. સામે ઉપપ્રમુખપદે ક્ષત્રિય સમાજમાંથી પસંદગી કરીને સમાજ સમીકરણને સાચવી લેવાની કોશિશ થશે. બીજી તરફ વિપક્ષના નેતાપદે કોઈ ડખો ઊભો થાય એ પહેલાં જ કોંગ્રેસમાં મહિલા સશક્તિકરણને આગળ ધરી મહિલાને જ બેસાડવાની માગ ઊઠી છે.

કોંગ્રેસમાં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય વચ્ચે ડો.પલક વર્માનું નામ આગળ ચાલી રહ્યું છે. જાેકે, બીજી તરફ સલીમ દિવાનની વાત પણ જાેરશોરથી ચાલી રહી છે.

જાેકે, વિપક્ષ નેતા માટે અપક્ષનો ટેકો લેવાની જરૂરત ઊભી થાય તો કોથળામાંથી બિલાડંુપણ નીકળી શકે, એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.