લોકસત્તા વિશેષ : સરકારના કાયદા અને નિયમોની છટકબારીનો લાભ લેવામાં માહેર એવા સમન્વય ગ્રૂપને વધુ એક વખત નિયમ વિરૃધ્ધ બાંધકામ પરવાનગી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આવી જ રિતિનિતિ હેઠળ કલાલી વિસ્તારમાં સમન્વય ગ્રુપના વધુ એક પ્રોજેક્ટ સમન્વય સાત્વિકને ૪૦ ટકા જમીન કપાતના નિયમોને છેદ ઉડાડી મંજૂરી આપવામાં આવતા ચકચાર મચી છે. સામાન્ય રીતે એક જ જથ્થામાં આવેલી જમીનના સમૂહમાં આગળ પાછળ કપાત અપાય તો તે માન્ય હોય છે પરંતું બે જુદા જુદા સર્વે નંબર એકબીજાથી દુર હોય તે રીતે કપાત આપવામાં આવે તો તે બિલ્ડરને આર્થિક લાભ આપનાર પ્રકરણ છે. આવી જ રીતે કલાલીના બ્લોક નંબર ૩૪૮, ૩૭૬ અને ૩૭૭માં આપવામાં આવેલી રજાચિઠ્ઠીમાં સમન્વય સાત્વિકના બિલ્ડરને લાભ ખટાવી કોર્પોરેશન દ્વારા મુખ્ય રસ્તા પર આવેલી જમીનમાં ઓછી કપાત કરી આંતરીક રસ્તાની જમીનમાં વધુ કપાત દર્શાવી બિલ્ડરને આર્થિક લાભ કરાવી આપવામાં આવ્યો છે.

લોકસત્તા-જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર શહેરમાં સમન્વય ગ્રૂપના નામે અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટમાં કોઈને કોઈ પ્રકારની અનિયમિતતા કે ખોટી રીતે મંજૂરી મેળવી જંગી આર્થિક લાભ ખાટવાની પ્રવૃત્તિ ગ્રૂપના બિલ્ડર દ્વારા વર્ષોથી કરવામાં આવી રહી છે. સરકારી તંત્ર અને કોર્પોરેશન વહીવટીમાં મજબુત વગ ધરાવનાર આ ગ્રૂપના બિલ્ડરો પર કોર્પોરેશન ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પણ વધુ મહેરબાન રહી ખોટો આર્થિક લાભ ખટાવી આપ્યો હોવાનું સામે આવ્યું છે.

ખાસ કરીને કલાલીના સર્વે નંબર ૩૪૮, ૩૭૬ અને ૩૭૭ કોર્પોરેશનની હદમાં નોન ટીપી વિસ્તારમાં આવે છે. સરકારના નિયમ મુજબ નોન ટીપી વિસ્તારમાં આવતી જમીનમાં સમાન રસ્તાની પોહળાઈ અને સમાન લોકાલીટીમાં કપાત કરવાની હોય છે. પરંતુ કલાલીના ડેવલોપ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર ૩૭૬ અને ૩૭૭માં નામ પૂરતી કપાત દર્શાવી આંતરિક રસ્તા પર ઓછા ડેવલોપ વિસ્તારમાં આવેલ બ્લોક નંબર ૩૪૮ આખો કપાતમાં આપી બિલ્ડરની કરોડો રૂપિયાનો લાભ ખટાવી આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

શું છે કપાતનો નિયમ?

સરકારના ટીપી એક્ટ મુજબ જ્યારે ટીપી સ્કીમનું આયોજન થાય ત્યારે સમાન રોડ પહોળાઈ અને સમાન લોકાલીટીમાં આવેલા નંબરની કપાત મહત્તમ ૫૦ ટકા સુધી કરી ફાયનલ પ્લોટની ફાળવણી કરવામાં આવતી હોય છે. આવી જ રીતે નોન ટીપી વિસ્તારમાં આપવામાં આવતી પરવાનગીમાં પણ સમાન લોકાલીટી અને સમાન રોડ વિડ્‌થ મુજબ કપાત કરી બાકીની જમીનમાં બાંધકામ પરવાનગી આપવી જાેઈએ. એટલે કે જે સર્વે નંબર કે બ્લોક નંબર એક બીજા સાથે અડીને આવેલા હોય તેવા જ નંબરોની એકત્રિત કપાત શક્ય છે નહીં કે જુદા જુદા સ્થળોએ એક બીજાની સીમાથી દૂર આવેલા નંબરોને તેનો લાભ આપી શકાય.

હાઈટેન્શન લાઈન સહિત વાંકીચૂકી જમીન પધરાવી

સમન્વય સાત્વિક પ્રોજેક્ટ માટે સમન્વય ગ્રુપને કરાવી આપવામાં આવેલા લાભમાં કોર્પોરેશનના અધિકારીઓની મેલી મુરાદ પણ સામે આવી છે. જે બ્લોક નંબર ૩૪૮ની જમીન ૪૦ ટકા કપાત તરીકે લેવામાં આવી છે તે જમીનમાંથી હાઈટેન્શન લાઈન પસાર થાય છે. આ ઉપરાંત જમીનની ભૌગોલિક રચનામાં આગળથી સાંકળી અને વાંકી જમીનમાં કોઈ બાંધકામ થઈ શકે તેમ નહીં હોવાથી સમન્વય ગ્રૂપના બિલ્ડરે કારસો રચીને વાંકીચૂકી અને હાઈટેન્શન લાઈનની જમીન કોર્પોરેશનને પધરાવી દેવાનો ખેલ રચ્યાનું પણ સામે આવ્યું છે.

કેવી રીતે કર્યો ભંગ?

કલાકી ગામના મુખ્ય રસ્તાથી જેડાતા ૧૮ મીટર પહોળા નાળિયા રસ્તા પર આવેલા બ્લોક નંબર ૩૭૬ની ૬૬૭૭ અને ૩૭૭ની ૬૩૭૪ ચો.મી. જમીન મળી કુલ ૧૩૦૫૧ ચો.મી. જમીનમાં ૪૦ ટકા કપાત કરી ૭૮૩૦ ચો.મી. જમીનમાં પરવાનગી આપવા પાત્ર થતી હતી. પરંતું ભેજાબાજ સમન્વય ગ્રુપના બિલ્ડરોએ આ ૩૭૬ અને ૩૭૭ના સીમાડાથી દૂર આવેલ ત્રીજા વાંકાચૂકા બ્લોક નંબર ૩૪૮ની ૬૧૭૨ ચો.મી. જમીનનો સમાવેશ કરી સંયુક્ત આયોજન દર્શાવ્યું. આમ ત્રણ બ્લોક નંબરની ૧૯૨૨૩ ચો.મી. જમીનમાં ૪૦ ટકા કપાત પાત્ર ૭૬૮૯ ચો.મી. જમીન પૈકી ૬૧૭૨ આખી બ્લોક નંબર ૩૪૮માં કપાત કરી લીધી હતી. જ્યારે બાકીની ૧૫૧૭ ચો.મી. જમીન મોકાની એવી બ્લોક નંબર ૩૭૬ અને ૩૭૭ની જમીનમાં કરી હતી. આમ બ્લોક નંબર ૩૭૬ અને ૩૭૭માં કપાત થવા પાત્ર ૫૨૨૦ ચો.મી. જમીન સામે માત્ર ૧૫૧૭ ચો.મી. જમીન કરી સમન્વય ગ્રૂપના આર્થિક લાભ ખટાવી આપવામાં આવ્યો હતો.