ગાંધીનગર, રાજ્યમાં એકબાજુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને લઈને સરકાર અને પોલીસ દ્વારા નિયમો બનાવી સરકાર અને પ્રજાને ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. પણ આ જ નિયમો સરકાર અને પોલીસને લાગુ પડતાં નથી. ભાજપના કાર્યક્રમો હોય કે પોલીસનાં, તેઓનાં કાર્યક્રમમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરાં ઉડતાં જાેવા મળે છે. અને આ બંને ઉપર કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. આવો જ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો હતો. હવે આ મામલે જૂનાગઢ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી વાણિયાનું હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે. ડીવાયએસપી વાણિયાનું નિવેદન તમને જણાવીએ એ પહેલાં આ મામલે રાજ્યના એડીજીપી વિકાસ સહાયે તપાસના આદેશ આપી દીધા છે. 

અને વીડિયોને આઘાતજનક ગણાવ્યો છે. તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. અને તેઓએ કહ્યું કે, ઘટના સમયે કોઈ પોલીસ અધિકારીઓ હાજર હતા કે કેમ તેની પણ તપાસ થશે. અને રિપોર્ટના આધારે કડક તપાસ કરવામાં આવશે. આ મામલે રાજ્યના એડીજીપી વિકાસ સહાયે ઘટનાની ગંભીર નોંધ લીધી છે. અને વીડિયોના આધારે તપાસના આદેશ આપ્યા છે. અને ચાર દિવસમાં રિપોર્ટ સોંપવા માટે આદેશ પણ કર્યો છે. વિકાસ સહાયે કહ્યું કે, વીડિયો ખુબ જ આઘાતજનક છે. અને ઘટનાને લઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.