આણંદ : રવિવારે સવારના ૭ વાગ્યાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનંુ મતદાન શરૂ થશે ત્યારે આજની રાત ઉમેદવારો માટે કતલની રાત માનવામાં આવી રહી છે. ચૂંટણીમાં ઊભાં રહેલાં ઉમેદવારોએ ગત ટર્મમાં મતદારોના કામ નહીં કર્યાં હોય તેણે આજે પ્રલોભનોનો સહારો લેવો પડશે. જાેકે, દારૂ અને ચવાણુંના એ દિવસો હવે ગયાં, એવું ગ્રામીણ મતદાર માની રહ્યાં છે. કામ નહીં કર્યું હોય એવાં ઉમેદવારોને જાકારો જ મળવાનો છે, એવો મત ગ્રામીણ મતદારોમાં જાેવાં મળ્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે, આમ છતાં ઉમેદવારો દ્વારા મતદારોને આકર્ષવાના છેક છેલ્લી ઘડી સુધીના પ્રયાસો હાથ ધરાશે. દર વખતની જેમ આ વખતે પણ મત ખરીદવા માટે દારૂ, ચવાણું અને પ્રલોભનો આપવામાં આવશે, તેવી ચર્ચા છે. જાેકે, આ પ્રલોભનો ફક્ત ગ્રામીણ વિસ્તારોમાં આપવામાં આવતાં હોય છે. નગરપાલિકા વિસ્તારમાં આવાં પ્રલોભનો બહુ કામ આવતાં નથી.

એવી ચર્ચા છે કે, ચરોતરના ગ્રામીણ વિસ્તારોમાં ઉમેદવારો માટે આજની રાત કતલની રાત હશે. ઉમેદવારો દ્વારા પોતપોતાના મત વિસ્તારોમાં કિલ્લેબંધી ગોઠવીને કાર્યકરોને દોડાવવામાં આવ્યા છે, પરિણામે હરિફ ઉમેદવારો અથવા સમર્થકો તેમનાં ગાબડું ન પાડી શકે. આ ઉપરાંત આજે દારૂ અને ચવાણું પણ ખુબ જ વહેંચાશે, તેમ માનવામાં આવી રહ્યું છે. ડોર ટુ ડોર પ્રચાર થંભી ગયાં બાદ ઉમેદવારો દ્વારા ક્યા બુથ પર કોને શું જવાબદારી સોંપવી તેની ગોઠવણમાં પડી ગયાં છે. બીજી તરફ એવું કહેવાય રહ્યું છે કે, આવતીકાલે આણંદ પાલિકાની ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ હોવાથી પુનરાવર્તન કે પરિવર્તન, શું થશે એ કહી શકાય તેમ નથી! ગતરોજથી પ્રચાર પડધમ શાંત પડ્યાં બાદ કોઇપણ ભોગે સત્તા હસ્તે કરવાના ખેલ શરૂ થયાં છે. એક ચર્ચા મુજબ, નાણાંની કોથળી પણ ખુલ્લી મૂકી સત્તા કબજે કરવાના ખેલ રચાયા છે.

આણંદ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો, છ નગરપાલિકા તેમજ કરસમદ પાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણી માટે રવિવારે સવારથી મતદાન શરૂ થશે. એ પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

 મતદાન મથકો પર ઇવીએમ અને સ્ટાફ ફાળવી દેવામાં આવ્યા છે. કોરોના મહામારીની ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન થાય એ માટે ચેલ્લી ઘડીની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. પોલીસ દ્વારા પણ તમામ મતદાન મથકોએ જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત એલસીબી, એસઓજી, પેરોલફર્લો સહિતની ટીમોની ફ્લાઇંગ સ્કવોડ બનાવીને સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મતદાન મથકોએ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટેનું પણ આગોતરું આયોજન હાથ ધરાયું છે.