ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના ખેડૂતોના વ્યાપક હિતમાં વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવાયો છે. વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી છોડવા મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે રાજ્યમાં ચાલુ વર્ષે સારા વરસાદની ખેડૂતોને આશા હતી. પરંતુ, જૂલાઇ મહિનામાં બીજા અઠવાડિયા બાદ ખાસ વરસાદ નોંધાયો નથી. જેના કારણે રાજયભરના ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યાં છે. ખેડૂતોનું વાવેતર થયા બાદ વરસાદ ના પડતા હવે પાક સુકાવાની અણીએ છે. ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સિંચાઇ માટે સમગ્ર રાજ્યના ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ ડેમોમાંથી સરકાર સિંચાઇ માટે નહેર થકી પાણી આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણયથી ખેડૂતોના સુકાઇ રહેલા પાકને નવું જીવન મળશે. રાજ્યભરમાંથી ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતોને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે. સીએમના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આમ, ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા 30 સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખવામાં આવશે. જયારે બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે ઉપયોગમાં લેવાશે. આ માટે તાત્કાલિક અસરથી પાણી છોડવા જળસંપત્તિ વિભાગને આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.