આણંદ : આઝાદીને ૭૫ વર્ષ પૂરાં થતાં આઝાદીનો અમૃતમહોત્સવની દેશભરમાં થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમ અમદાવાદથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રસ્થાન કરાવેલી ૮૧ યાત્રીઓની પ્રતીકાત્મક દાંડી યાત્રા આજે સવારે નડિયાદથી પ્રસ્થાન થઇ આણંદ જિલ્લામાં બોરીયાવી નગરમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટર આર.જી.ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર અને બોરીયાવીના નગરજનો અને આગેવાનોએ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

બોરીયાવી ખાતે પ્રતીકાત્મક દાંડી યાત્રા પ્રવેશતાં રાસ-ગરબા અને ઢોલ શરણાઈ, પોલીસ બેન્ડ અને પોલીસ મોટર સાઈકલ સાથે યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ દાંડીયાત્રીઓને નગર મધ્યે ગાંધીજીની પ્રતિમાચોક જ્યાં ૯૧ વર્ષ પૂર્વે પૂ.ગાંધીબાપુની મૂળ દાંડીયાત્રાને પડાવ આપી તે વેળાના સ્વાતંત્ર સેનાનીઓ અને નગરજનોએ સ્વાગત કર્યું હતું. એ જ સ્થળે સ્વાગત અને નાનકડી સભા યોજવામાં આવી હતી. તેમજ દાંડીયાત્રીઓને પીવાનું પાણી અપાયું અને ગાંધી પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરી હતી.

મહત્વનું છે કે બોરીયાવી ખાતે દાંડીયાત્રીઓનું સ્વાગત કર્યા બાદ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી જયદ્રથ સિંહ પરમાર દાંડીયાત્રીઓ સાથે પદયાત્રામાં જાેડાયા હતા. દાંડીયાત્રિકો બોરીઆવીથી નીકળી લાંભવેલ ગામ તરફ રવાના થયાં હતાં. આ પ્રસંગે ભારત માતા કી જય, વંદે માતરમ, મહાત્‍મા ગાંધી અમર રહોના નાદથી સમગ્ર વાતાવરણ દેશભકિતના રંગે રંગાઇ જવા પામ્‍યું હતું. દાંડી યાત્રિકો સાથે એક વિદ્યાર્થી ગાંધી બાપુની વેશભૂષામાં સજ્જ થઇને યાત્રામાં અગ્રેસર રહેતાં તેને દાંડી યાત્રિકો અને ગ્રામજનો તથા શહેરીજનોમાં આકર્ષણ જમાવ્‍યું હતું.

મંત્રી જયદ્રથસિંહ પરમારે પ્રસ્‍થાન કરાવેલી આ દાંડી યાત્રિકો સાથે ગ્રામજનો પણ મોટી સંખ્‍યામાં જાેડાયા હતા. બોરીયાવી ખાતેથી પ્રસ્‍થાન પામેલ દાંડી યાત્રાનું માર્ગમાં ઠેર-ઠેર ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રિકો માટે માર્ગમાં ઠંડા પાણી, ઠંડા પીણા, છાસની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

દાંડી યાત્રિકો લાંભવેલ ગામે આવી પહોંચતા ગામના સરપંચમહેશભાઇ રાઠોડ સહિત ગ્રામજનો દ્વારા યાત્રિકોનું સૂતરની આંટીથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. યાત્રિકોએ લાંભવેલ ગામ પાસે આવેલ પૂ. મહાત્‍મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ભાવાંજલિ અર્પી હતી.

લાંભવેલ ગામે દાંડી યાત્રા આવી પહોંચતા આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ દાંડી યાત્રાનું સ્‍વાગત કર્યું હતું અને યાત્રિકો સાથે પગપાળા જાેડાયા હતા. યાત્રા સાથે ગાંધી બાપુની વેશભૂષામાં સામેલ બાળકનું એક બાળકે અભિવાદન કરતાં લોકોમાં જાેમ-જુસ્‍સો વધવા પામ્‍યો હતો. લાંભવેલ ગામના ગ્રામજનોએ રસ્‍તાની બંને બાજુએ ઉભા રહીને યાત્રિકો પર પુષ્‍પવર્ષા કરી હતી. તેમજ માર્ગમાં ઠેર-ઠેર નાગરિકો, વ્‍યાપારીઓ, ખાનગી કંપનીઓ દ્વારા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ સમયે ડીજે ઢોલ-નગારાથી ભવ્‍ય સ્‍વાગત કરવાની સાથે દેશભકિતના ગીતો વગાડવામાં આવ્‍યા હતા.

દેશભકિતના ગીતો વાગતા હોવાને કારણે સમગ્ર વાતાવરણમાં દેશભકિતની એક અલગ ખુશ્‍બુ પ્રસરવા પામી હતી. ધીમે ધીમે લાંભવેલ ગામથી પસાર થઇ રહેલી દાંડી યાત્રાએ આણંદ શહેરમાં પ્રવેશ કર્યો હતો.

આણંદ શહેરમાં પ્રવેશ પામેલ દાંડી યાત્રા આણંદ શહેરના જે માર્ગો પરથી પસાર થઇ તે માર્ગ પર દાંડી યાત્રિકો પર સાધુ-સંતો, શહેરીજનો અને વરિષ્ઠ નાગરીકોએ દ્વારા ફૂલો વરસાવીને ભાવસભર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આણંદ શહેરમાંથી પસાર થતાં નગરપાલિકા ભવન ખાતે દાંડી યાત્રા આવી પહોંચતા વેપારીઓ અગ્રણી વિપુલભાઇ પટેલ, નિરવભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, યોગેશભાઇ પટેલ નગરપાલિકાના નવાં વરાયેલાં પ્રમુખ રૂપલબેન પટેલ સહિત નગરસેવકો, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે દાંડી યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત કર્યું હતું.

નગરપાલિકા ભવન ખાતે સ્‍વાગત કરાયા બાદ યાત્રિકો આણંદ ખાતેના નિર્ધારીત મુકામ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે આવી પહોંચતા યાત્રિકોનું ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે હાઇસ્‍કૂલના ટ્રસ્‍ટીઓ, અગ્રણીઓ, પદાધિકારીઓ દ્વારા ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પૂ. મહાત્‍મા ગાંધીજીની મૂળ દાંડીયાત્રા ૧૯૩૦ના માર્ચના તા.૧૬મીના રોજ ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે યાત્રિકો સાથે રાત્રિ રોકાણ કર્યું હતું, તે મુજબ આ દાંડી યાત્રાના યાત્રિકો રોકાણ કરશે. આવતીકાલે તા.૧૭મીના રોજ આણંદ ખાતેની ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે જ વિશ્રામ કરશે.