કોડીનાર,કોડીનાર તાલુકાના આણંદપુર ગામે એક ખેડૂતના મગફળી ભરેલા ગોડાઉનમાં કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રીના સમયે ઈરાદાપૂર્વક આગ લગાડી દેવાની ઘટના બની છે. આ આગ લાગવાથી ગોડાઉનમાં રહેલ અનાજ, મગફળીનો જથ્થો ઉપરાંત ખાતરના બાચકા, ખેત ઓજાર સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા ખેડુતને અંદાજે રૂ.૩૦ લાખનું નુકસાન થયુ છે. આ ઘટના અંગે આણંદપુરના ખેડુત અશ્વિન મોરીએ અજાણ્યા શખ્સો સામે ફરીયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ કોડીનાર તાલુકાના આણંદપુર ગામે રહેતા અશ્વિન મોરીની ગામની સીમમાં દોઢેક હેક્ટર જેટલી ખેતીની જમીન આવેલી છે. આ ખેતરમાં ખેત પેદાશો સાચવવા તથા ખેતી માટે જરૂર સાધનો સહિતની વસ્તુઓ રાખવા માટે એક મોટું ગોડાઉન બનાવાયું છે. જેમાં દિવાળી સમયે ઉત્પાદન થયેલી ૮૦૦ મણ જેટલી મગફળી, ૮૦ મણ જેટલા ઘઉં અને બાજરો, ૩૦ થેલી યુરિયા ખાતર તથા ખેતીના ઓજારો રાખેલા હતા. આ ગોડાઉનમાં ગતરાત્રીના સમયે કોઈ અજાણ્યા શખસોએ ઈરાદાપૂર્વક આગ લગાડી દીધી હતી. જેની જાણ વહેલી સવારે ગામના ખેડુત વિજયભાઈ પોતાના ખેતરે ગયેલા ત્યારે થઈ હતી. આ સમયે પણ ખેતરના ગોડાઉનમાં આગ ચાલુ હતી.

જેથી આગની ઘટના અંગે તેઓએ અશ્વિનભાઈ મોરીને જાણ કરતા તેઓ પરીવારના અન્ય સભ્યો સાથે વાડીએ દોડી આવી અન્ય ખેડુતો-ગ્રામજનોની મદદથી આસપાસના કુવામાંથી પાઇપ લાઇન મારફત પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. બાદમાં આગની ઘટનાની જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જાે કે, આગ લાગવાથી ગોડાઉનમાં રહેલ મગફળી, ઘઉં, બાજરો સહિતના અનાજનો જથ્થો, ખાતરનો જથ્થો તથા ખેતીના સાધનો બળીને ખાખ થઈ ગયા હતા. આમ ગોડાઉનમાં આગ લાગવાથી ખેડુતને અંદાજે ૩૦ લાખનું નુકશાન થયા અંગે પોલીસમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી.

ખાનપર ધુનડા રોડ પર કપાસ ભરેલી ટ્રક વાયરને અડતા આગ

મોરબીના ખાનપર ઘૂનડા રોડ પર શુક્રવારે સવારે કપાસ ભરેલો એક ટ્રક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન એક જીવંત વાયર સાથે કપાસનો ભાગ અડી જતાં તેમાંથી સ્પાર્ક થયો હતો અને તે કપાસ પર પાડતાં કપાસના મોટા જથ્થામાં આગ લાગી ગઈ હતી.જાેતજાેતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગની જ્વાળાઓ નિકળવા લાગી હતી. આથી આસપાસના લોકોએ તાબડતોબ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના ખાનપર ઘુનડા રોડ પરથી કપાસ ભરીને જતો એક ટ્રક અચાનક જીવંત વીજ વાયરને અડી ગયો હતો, જેના કારણે કપાસના જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે ટ્રક ચાલકે ટ્રક ત્યાં જ રોકી દઈ ફાયર વિભાગમાં જાણ કરતા મોરબી ફાયર વિભાગની ટીમના ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.