અમદાવાદ-

રાજ્યમાં બોગસ બિલિંગ થકી વેરાશાખ મેળવી અન્ય વેપારીઓને તે ટ્રાન્સફર કરી નાણાં કમાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્યારે રાજ્યના GST વિભાગ દ્વારા બોગસ બિલિંગ થકી થતી કરચોરીના કેસો શોધી કાઢી કાર્યવાહી કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. તો GST વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, બોગસ બિલિંગના કેસોની મોડસ ઓપરેન્ડીમાં ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને નાણાકીય લાલચ આપી. તેમના નામે પેઢી શરૂ કરી, રજિસ્ટ્રેશન મેળવી આ ઓપરેટર્સ બોગસ બિલિંગનું ગેરકાયદેસર કામ ચલાવે છે. આથી સરકારી આવકમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચી રહ્યું છે. રાજ્યના GST વિભાગે 7 ઓગસ્ટે બોગસ બિલિંગમાં સંકળાયેલી કંપનીઓ, પેઢીઓ તથા તેમના સંલગ્ન શખ્સોન ધંધા તથા રહેઠાણના વિવિધ સ્થળોએ રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આમાં 9 આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી છે. બોગસ બિલિંગ સાથે સંકળાયેલા 10 આરોપીઓએ કુલ 24 પેઢીઓ ઓપરેટ કરી છે, જેમાં 577.32 કરોડ રૂપિયાના બોગસ બિલ ઉભા કરવામાં આવ્યા છે અને રૂપિયા 108.94 કરોડની વેરા શાખ અન્ય વેપારીઓને તબદીલ કરવામાં આવ્યા છે. આ સંદર્ભે બોગસ બિલિંગનો રકમનો આંકડો વધવાની શક્યતા છે. 10 આરોપીઓ પૈકી મુખ્ય આરોપી કીર્તિ રાજ સુતરિયા ઉર્ફે લાલભાઈને 13 ઓગસ્ટે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં અમદાવાદ ખાતે રજૂ કરવામાં આવેલ છે. તેમજ 14 દિવસના કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશનની માંગણી કરવામાં આવેલ છે.