ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં ગુજરાત આવેલા પીએમ મોદીએ રાજભવન જતાં પૂર્વે અચાનક પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાત લઈને સીએમ. પ્રદેશ પ્રમુખ સહિતના પક્ષના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. કમલમ ખાતેની અચાનક મુલાકાતમાં પક્ષના નેતાઓ સાથે વિધાનસભાની ચૂંટણીની પ્રવર્તમાન સ્થિતિને લઈને નવી રણનીતિ સંદર્ભે ચર્ચા કરી હતી. મોદી ગયા બાદ કમલમ ખાતે સીએમ, પ્રદેશ પ્રમુખ અને ગૃહ રાજ્ય મંત્રીએ પણ બેઠક યોજી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અન્ય રાષ્ટ્રીય નેતાઓ અને કેન્દ્રિય મંત્રીઓએ પ્રચાર અર્થે ગુજરાતમાં ધામા નાખ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગઇકાલે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. ગઇકાલે દક્ષિણ ગુજરાતના વાપીમાં રોડ શો કર્યા બાદ આજે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં જન સભાને સંબોધી હતી. પીએમ મોદી બોટાદથી અમદાવાદ એરપોર્ટ આવીને ગાંધીનગર રાજભવન ખાતે જવાના હતા. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ ભવન જતાં પૂર્વે અમદાવાદ એરપોર્ટથી સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી સંગઠન રત્નાકર પાંડે, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિતના પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં વિધનસભાની ચૂંટણીને લઈને પક્ષની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમજ હાલના સંજાેગોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની નવી રણનીતિ અંગે ચર્ચા કરી હતી.પીએમ નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રમાં સભા સંબોધ્યા બાદ ઓચિંતાની બેઠક માટે ગાંધીનગર કમલમ ખાતે આવી પહોંચ્યા હતા. ગાંધીનગર કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના આગમન અગાઉ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ મોટા નેતાઓ કમલમ ખાતે આવી પહોંચ્યા હતા.

સાત બળવાખોરો ભાજપમાંથી સસ્પેન્ડ

ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતાં શિસ્ત બદ્ધ ગણાતી ભાજપના જ સાત આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોએ બંડ પોકાર્યું હતું. અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે અંગે પક્ષ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં સાત નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે.ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આટલા વર્ષો બાદ ભાજપમાં વિરોધનો સૂર જાેવા મળ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત અનેક આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી. પાર્ટી દ્વારા ટિકિટ ન મળતાં ભાજપના આગેવાનો અને પૂર્વ ધારાસભ્યોમાં નારાજગી પ્રસરી હતી.જેના કારણે અનેક સ્થળોએ ભાજપમાં વિરોધનાં સૂર ઉઠવા પામ્યા હતા. આ નારાજ આગેવાનો અને પૂર્વ ધારાસભ્યો પૈકીનાં સાત જેટલાએ પક્ષથી નારાજ થઈને બળવાખોર બન્યા હતા. એટલું જ નહીં, પક્ષના ઉમેદવારની સામે જ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા ખાતેથી કરણ બારૈયાએ, ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ બેઠક પરથી ઉદય શાહ, જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠક પરથી અરવિંદ લાડાણીએ, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બેઠક પરથી છત્રસિંહ ગુંજારિયાએ, રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભરત ચાવડાએ, નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી હર્ષદ વસાવાએ અને વલસાડ જિલ્લાની પારડી બેઠક પરથી કેતન પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોધાવીને પક્ષની શિસ્તના ધજિયા ઉડાડયા હતા. જેના કારણે પક્ષના મોવડીમંડળ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી. જેના અંતર્ગત આજે પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા આ તમામ નેતાઓ અને પૂર્વ ધારાસભ્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા બળવો કરનારા આ તમામ બંડખોર નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.