અમદાવાદ-

રાજ્યમાં પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. ગુજરાતની તમામ 8 બેઠકો પર પેટાચૂંટણીના પરિણામમાં ભાજપ વિજય ભણી છે. ચૂંટણીના પરિણામ જાહેર થાય તે પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. વિજય રૂપાણીએ જણાવ્યું કે 'આવનારા દિવસોમાં હવે ભાજપના 111 ધારાસભ્યો થઈ જશે, પ્રજા જાણે છે અને તેના કારણે જ કૉંગ્રેસની આવી હાલત છે.' મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે 'પેટાચૂંટણીના આ પરિણામો વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, મહાનગર પાલિકાની ચૂંટણીનું આ પરિણામ છે. કૉંગ્રેસે આ ચૂંટણીમાં ખૂબ આક્ષેપો કર્યા છે પરંતુ પ્રજાએ કૉંગ્રેસને સ્થાન દેખાડી દીધું છે. અમે ફક્ત જીત્યા નથી જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા છીએ”

સી.આર. પાટીલે જણાવ્યું કે “કોઈ એક મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી. પરંતુ અમે પેજ કમિટિને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. અમે લોકો સુધી પહોંચવા માટે લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવો અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે ખૂબ મહત્ત્વનો ભાગ છે. વડાપ્રાન મોદીનો જે કામ કરવાની પદ્ધતિ છે. તેમના દ્વારા બનેલી યોજનાઓ દરેક તબક્કાને મળે તેવું કામ કર્યુ છે. મતદારો સાથે સંપર્ક કરવામાં કાર્યકરોએ જે કામ કર્યુ છે તેનું આ પરિણામ છે”