ગાંધીનગર-

રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંકડો ૫૦ લાખને પાર થઈ ગયો છે. આ સાથે ગુજરાત કોરોનાના ૫૦ લાખથી વધુ કોરોના ટેસ્ટ કરાવનારું સાતમું રાજ્ય બની ગયું છે. ગુજરાતમાં હાલમાં ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ત્રણ ટકા છે. એટલે કે દર સો ટેસ્ટમાં ત્રણ વ્યક્તિના ટેસ્ટ પોઝિટિવ આવે છે. સૌથી ઓછો ટેસ્ટ પોઝિટિવિટી રેશિયો ધરાવતા રાજ્યોમાં ગુજરાત સાતમાં સ્થાને છે. 

ગુજરાતમાં સૌથી વધુ ૧૩ લાખ ૮૩ હજાર ટેસ્ટ અમદાવાદ જિલ્લામાં અને સૌથી ઓછા સાડા પંદર હજાર ટેસ્ટ ડાંગમાં કરવામાં આવ્યા છે. ગુજરાતના નવ જિલ્લામાં લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૧ કરોડ ૧૮ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કરવામાં આવેલા કુલ ૫૦ લાખ ટેસ્ટમાંથી અડધો અડધ ટેસ્ટ અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર એમ ચાર જિલ્લામાં કરાયા છે. છેલ્લા એક મહિનામાં જ ૧૮ લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. 

રાજ્યમાં કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૧,૫૧,૫૯૬ છે. અત્યાર સુધીમાં કુલ ૧,૩૨,૩૧૦ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં ૮૬ દર્દી વેન્ટિલેટર પર છે અને ૧૫,૬૩૧ દર્દી સ્થિર છે. રાજ્યમાં જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે ૫,૯૨,૯૪૨ વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ પૈકી ૫,૯૨,૫૪૦ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે અને ૪૦૨ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.