અમદાવાદ-

ગુજરાત માં આધુનિક ગુજરાતી ના પ્રણેતા કવિ નર્મદાશંકર લાલશંકર દવે,કે જેઓ કવિ નર્મદ ના નામે પ્રસિદ્ધ છે ,તેમનો આજે જન્મદિવસ છે. આજનો દિવસ ગુજરાતમાં વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ના રૂપે મનાવવામાં આવે છે. કવિ નર્મદાશંકર લાલશંકર દવે નો જન્મ 24 ઓગસ્ટ 1833 ના રોજ સુરતમાં થયો. અંધવિશ્વાસ, અને ધાર્મિક અસહિષ્ણુતા ના તેઓ વિરોધી હતા .એક રાષ્ટ્ર, સ્વરાજ, અને રાષ્ટ્ર ભાષા વિશે નો વિચાર કરનાર તેઓ પ્રથમ હતા. ગુજરાતી ને સમૃદ્ધ કરવામાં કવિ નર્મદ અને ગોંડલના ભગવાનસિંહજી નો અમૂલ્ય ફાળો છે. તેઓએ ગુજરાતી ભાષા શબ્દકોશ વિકસાવવામાં વર્ષો વિતાવ્યા .૧૮૫૦માં મોડર્ન ગુજરાતી ભાષા ના તેઓ પ્રણેતા હતા .જેમાં તેમની સાથે દલપતરામ ,પ્રેમાનંદ, કાન્ત, કાલેલકર ગોવર્ધનરામ ત્રિપાઠી,કલાપી, ક.મા.મુનશી જેવા ધુરંધર ગુજરાતી શબ્દ સાધકોએ ગુજરાતી ભાષા ને નવો ઓપ આપ્યો. આપણે આપણી ભાષા વિશે કેટલું જાણીએ છીએ ? ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે અને ભવિષ્યમાં પણ થશે.વિશ્વની સૌથી વધુ માતૃભાષકો ધરાવતી ૩૦ ભાષામાં ગુજરાતી ભાષાનું સ્થાન ૨૩મું છે. ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે.ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સરકારની નહી પરંતુ સમગ્ર સમાજની છે.જે દિવસે આપણે આપણી ગુજરાતી ભાષા માટે ગૌરવ અનુભવીશુ તે દિવસે ભાષા જીવશે. જીવાડવી નહી પડે."જે ભાષામાં તમે સ્વપ્ન જોઈ શકો.. જે ભાષામાં તમે મોકળા મને હસી કે રડી શકો તે ગુજરાતીને જાળવો અને માન વધારો...ગુલામ મનોદશાને ત્યાગો તો ખરા…ગુજરાતી પ્રજા જેટલી રુપિયા કે ડોલરની ભાષા સારી રીતે સમજી શકે છે તેટલી સારી રીતે જન્મજાત માતૃભાષા સમજવાની તસ્દી લેતી નથી તે કદાચ આપણાં સૌનુ દુર્ભાગ્ય છે."ગુજરાતી ભાષાની અસ્મિતા તથા ગૌરવના જતન માટે આજના દિવસે આપણે સહુ સાથે મળીને પ્રયત્ન કરીએ તો જ આજનો આ દિવસે સાચા અર્થમાં ઉજવણી કરી ગણાશે.