અમદાવાદ-

રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. અને કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ શનિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ. પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું હતું.

નવસારી પંથકમાં માવઠું થતા ખેડૂતોના માથે ફરી ચિંતા ના વાદળો છવાયા હતા વાદળ છાયાં વાતાવરણને કારણે નવસારી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના પાકને નુક્શાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે. આ ઉપરાંત અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણમાં આકાશમાં વાદળો છવાતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. બપોર પછી કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાત સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વતવારણમાં પલટો આવ્યો છે.

મગફળી,બાજરી સહિતના પાકને નુકશાન થવાની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અહીંયા વાદળછાયાં વાતાવરણ અને કમોસમી વરસાદના આગમનની છડી પોકારતું વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારે ભારે ઉકળાટ બાદ ઠંડા પવનો સાથે વાતાવરણ બદલાયું છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ સહિત સમગ્ર જિલ્લા માં વાદળછાયું જોવા મળ્યું છે. જિલ્લાના લીમખેડામાં કમોસમી વરસાદ થતા ધરતી પુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી છે. સાપુતારા સહિત આહવા પંથકના અમુક ગામડાઓમાં આજરોજ કમોસમી વરસાદ પડ્યો હતો. આ વરસાદન કારણે ખેતીપાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

સાપુતારા ખાતે આજરોજ અચાનક વરસાદ પડતાં વાતાવરણમાં શીત લહેર જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટા વચ્ચે અમુક ઠેકાણે કમોસમી વરસાદ તો અમુક ઠેકાણે મધ્યમ સ્વરૃપે વરસાદ પડતાં આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાઇ હતી. સાપુતારા પંથકના ગામડાઓ સહીત જંગલ વિસ્તારમાં આજરોજ વરસાદ પડતા થોડા સમય માટે આખા રસ્તા પાણીથી ભીના થયા હતા. આ કમોસમી વરસાદને લીધે ડાંગી ખેડૂતના ખેતરમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતા વધી રહી હતી. સાપુતારા આવતા સહેલાણીઓને આ વાતાવરણનો આનંદ ઉઠાવવાનો લ્હાવો મળ્યો હતો. આખો દિવસ સમગ્ર પંથકમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતુ.