સુરત-

પીએમના જન્મદિવસે વેક્સિનેશન ડ્રાઈવમાં સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1,78,752ને વેક્સિન મુકાઇ છે, લોકોમાં ઉત્સાહ વધુ હોય મહાપાલિકા એ સેન્ટરો વધારી 310 કર્યા છે. પ્રથમ ડોઝ 77,050 અને બીજો ડોઝ 1,01,702 થયા છે. ત્યારે 34,32,737ના ટાર્ગેટ સામે પ્રથમ ડોઝ 31,86,501 પહોંચતાં 92.08 ટકા અને બીજો ડોઝ 13,50,811 થતાં 42.40 ટકા સુધી પહોંચી ગયો છે.

મહાપાલિકાએ મેગા ડ્રાઇવ પૂર્વ દિવસે જ 4 લાખને મેસેજ કરી દેવાયા હતાં તેથી સવારથી જ લોકોનો વેક્સિન માટે ઉત્સાહ જણાતાં સેન્ટરો પર લાઇનો લાગવા માંડી હતી. શહેરભરના કોમ્યુનિટી હોલ, સમાજની વાડી, ખાનગી સ્કૂલ સમિતિની સ્કૂલ, હેલ્થ સેન્ટરો તથા મોબાઇલ વેક્સિનેશન ટીમ ખાતે ઠેર ઠેર વેક્સિનેશન કરાયું હતું. સામાજિક સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ મોટાપાયે વેક્સિન કામગીરીમાં જોતરાયા હતાં. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, અગાઉ વધુમાં વધુ 78,908ને રસી મુકાઇ હતી પરંતુ પીએમના જન્મદિવસે આ રેકર્ડ તુટ્યો છે. સાંજે 7.41 વાગ્યા સુધીમાં 1.78 લાખથી વધુને વેક્સિન મુકાઇ છે. રાત્રિ સુધી 2.20 લાખ જેટલું રસીકરણ થાય તેમ છે.