સુરેન્દ્રનગર-

હળવદના માર્કેટયાર્ડમાં થોડા દિવસ પહેલા વેપારીની નજર ચૂકવી તેના થેલામા કાપો મારીને થેલામાથી રૂ.૫ લાખની ઉઠાંતરી થયાની ઘટના બની હતી. આ ઘટનામાં હળવદ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અઘન તપાસ ચાલવીને વેપારીની નજર ચૂકવી પાંચ લાખની ઉઠાંતરી કરનાર બે શખ્સોને પાલનપુર પોલીસે ઝડપી લીધા હતા. જેથી આ બંને આરોપીઓનો હળવદ પોલીસે કબજો લઇ વધુ તપાસ હાથ ધરતા આ બંને આરોપીની પૂછપરછમાં અનેક શખ્સોના નામ ખુલતા તેણે પણ ઝડપી લેવા પોલીસે આગળની તપાસ ચાલુ રાખી છે.

હળવદની શિવધારા સોસાયટીમાં રહેતા વેપારી અંબારામભાઈ લીલીતભાઈ ઠક્કર થોડા દિવસ પહેલા બેન્કમાંથી રૂ.૫ લાખ ઉપાડીને આ રકમ થેલામાં ભરીને હળવદ માર્કેટયાર્ડમાં પહોંચ્યા હતા.જોકે તે દિવસે ખેડૂતોની ભીડ હોવાથી આ તકનો લાભ લઈને ગઠિયાઓ વેપારીની નજર ચૂકવી તેમની પાસે રહેલા થેલામાં કાપો મારીને રૂ.૫ લાખની રકમ સેરવીને ફરાર થઈ ગયા હતા.

બાદમાં આ બનાવ અંગે વેપારીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી હળવદ પોલીસે માર્કેટયાર્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીઓનું પગેરું મેળવવા વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી હતી અને રૂ.૫ લાખની ઉઠાંતરી કરનાર બે આરોપીઓ શિવા રણધીર ભાટ તથા બંસી ઓમપ્રકાશ બાવરીને પાલનપુર પોલીસે ઝડપી લીધેલ હોય જ્યાંથી હળવદ પોલીસે બંને આરોપીનો કબ્જો મેળવી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ બંને આરોપી પાસેથી હળવદ પોલીસે ચાર લાખ બાર હજારની રોકડ કબજે લીધી છે સાથે જ આ ચોરીના ગુનામાં અન્ય એક શખ્સ સંડોવાયો હોય તેને ઝડપી લેવા પી.આઈ દેકાવાડીયા એ વધુ તપાસ હાથ ધરી છે.