સુરત,૨૯ 

દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી અને સુરત પંથકના ગામડાઓમાં લાંબા સમયના વિરામ બાદ બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બુધવારે દિવસ દરમિયાન નવસારીના જલાલપુર અને નવસારી તાલુકામાં મેઘરાજા રીઝ્‌યા હોય તેમ વરસાદી માહોલ સર્જાયો હતો. નવસારીમાં સાડા ત્રણ ઇંચ, તો જલાલપોરમાં સાંબેલા ધારે સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો ઉપરાંત સુરત શહેરમાં મોડી રાત્રીથી વહેલી સવાર સુધી અઢી ઇંચ જળરાશિ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘ મહેર જોવાઈ છે સુરત શહેરમાં મોડી રાત્રીથી વહેલી સવાર સુધીમાં અઢી ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને લઇને શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઇ હતી ત્યારબાદ દિવસ દરમિયાન સૂર્ય દેવના દર્શન સાથે ઉઘાડ કાઢ્યો હતો આ ઉપરાંત જિલ્લાના મહુવામાં અડધો ઇંચથી વધુ. જ્યારે માંગરોળ અને પલસાણામાં હળવા ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો આજે દિવસ દરમિયાન મેઘરાજાએ નવસારી જિલ્લામાં અમી દ્રષ્ટિ વરસાવી હતી જેમાં જલાલપોરમાં સાંબેલાધારે સાડા પાંચ ઇંચ અને નવસારી તાલુકામાં સાડા ત્રણ ઇંચ અને વાસદા તેમજ ગણદેવીમાં અડધો-અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જેને લઇને ઠેરઠેર પાણી ભરાવા સાથે જળબંબાકારની સ્થિતીને પગલે તંત્રની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉઠયા હતા જોકે મેઘરાજાની અમી દ્રષ્ટિથી જગતના તાત માં ખુશીની લહેર ફરી વળી હતી. આ ઉપરાંત ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મેઘરાજાનો વિરામ જોવા મળ્યો હતો.