યાત્રાધામ અંબાજીમાં અતી ભારે વરસાદ, રસ્તા પરના વાહનો રમકડાની જેમ તણાયાં
02, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

રાજ્યમાં ૧ જુનથી ૩૧ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ૫૮૩.૬ મિ.મી. સામે ૨૯૪.૯ મિ.મી. વરસાદ પડતાં ૪૯ ટકા ઓછો વરસાદ પડ્યો છે. જાે કે, આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે તેમજ કેટલાંક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.જન્માષ્ટમીના બીજા દિવસે વિવિધ શહેરો, તાલુકાઓમાં થયેલા વરસાદનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલું લૉ પ્રેશર છે. તેના પગલે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો.દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ૧૬ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ ખાબકતાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત વાપીમાં ૬ ઇંચ તો કપરાડામાં ૩ ઇંચ વરસાદ થયો હતો, જ્યારે વલસાડ, પારડીમાં ૨ ઇંચ તથા ધરમપુરમાં ૧ ઇંચ વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં ૨૭ દિવસ બાદ ૨૦ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

સૌથી વધુ સવા ૪ ઇંચ વરસાદ બનાસકાંઠામાં વડગામમાં પડ્યો છે. બનાસકાંઠાના વડગામમાં સવા ૪ ઇંચ, પાલનપુરમાં સવા ૩ ઇંચ, ડીસા પોણા ૨ ઇંચ, લાખણી દોઢ ઇંચ સહિત સાવર્ત્રિક વરસાદ થયો હતો.રાજ્યમાં વરસાદના કારણે થયેલા વિવિધ અકસ્માતોમાં ત્રણના મોત નિપજ્યાં હતા. મહેસાણાના વિસનગર તાલુકાના ગણપતપુરામાં ઘાસચારો લેવા ગયેલી મહિલા અને યુવકનાં તેમજ મહેસાણા તાલુકાના છઠિયારડામાં મકાનનો સ્લેબ તૂટતાં ૩૧ વર્ષીય મહિલાનું મોત થયું હતું. ગુજરાતમાં વરસાદની અછતને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ત્યારે મંગળવારે ૧૫૫ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાતાં રાહતનો અનુભવ થયો હતો. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં મધ્યમથી ભારે તેમજ કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમદાવાદ શહેરમાં વરસાદી ઝાપટાંને પગલે તાપમાનમાં ૬ ડીગ્રીનો ઘટાડો થતાં ઠંડક પ્રસરી હતી.મહેસાણા જિલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ઊંઝામાં ૨ ઇંચ, જાેટાણામાં ૧ ઇંચ, પાટણ જિલ્લાના સરસ્વતી અને સિદ્ધપુરમાં ૨ ઈંચથી વધુ વરસાદ થયો છે. સાબરકાંઠા જિલ્લામાં પોશીનામાં અઢી ઇંચ, તલોદ અને પ્રાંતિજમાં ૨ ઇંચ, વિજયનગરમાં દોઢ ઇંચ, ઇડર અને વડાલીમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લાના માલપુરમાં પોણા કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં કુંકાવાવમાં બે અમરેલીમાં દોઢ ઇંચ વરસાદ જ્યારે વડિયા, બગસરા, રાજુલા અને ચલાલા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ગોંડલ પંથકમાં પણ ભારે ઝાપટું પડી ગયું હતું. ઉનામાં પણ હળવે વરસાદ થયો હતો. જાેડીયામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution