ભરૂચ, તા.૨૫ 

ભરૂચ જિલ્લામાં મોડેમોડે પણ ચોમાસું જામતું હોય તેવા આસાર ઉભા થયા છે. આજરોજ ભરૂચના જંબુસર અને નેત્રંગમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેને લઈ આ બંને તાલુકાઓ જળબંબોળ બન્યા હતા. જંબુસરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે જંબુસરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેના પગલે નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પણ પોલ ખુલ્લી પડી હતી. છેલ્લા ૨૪ કલાકમાં જંબુસરમાં ૬૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે નેત્રંગમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. છેલ્લા ૨૪ કલાકમાં નેત્રંગમાં ૮૯ મી.મી. વરસાદ ખાબકતા નેત્રંગ જળબંબોળ થયું હતું. ભરૂચમાં પણ બપોરના સમયે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં વરસાદનું ઝાપટું ભરૂચને ભીંજવી ગયું હતું. જેને પગલે ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે અંકલેશ્વરમાં ૮ મી.મી. અને ઝઘડીયામાં ૩ મીમી જેટલો વરસાદ વરસ્યો હતો. વાલીયામાં પણ ઝરમર વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં આમોદ, વાગરા અને હાંસોટ કોરા રહ્યા હતા.