વડોદરામાં વધુ એક મંગળવારની સવાર ગોઝારી સાબિત થઈ

શહેરના કારેલીબાગ વિસ્તારના આનંદનગરમાં ભાડાના મકાનમાં ઉપરના માળે પોતાની બે પુત્રીઓ સાથે રહેતી ૪૨ વર્ષીય ડિવોર્સી દક્ષા ચૈાહાણે પણ આર્થિક ભીંસના કારણે રાત્રિના સમયે તેની બંને પુત્રીઓ ૧૯ વર્ષીય હની અને ૧૪ વર્ષીય શાલીનીને જમવામાં ઝેર આપ્યા બાદ બંને પુત્રીઓના ગળે ટુંપો આપીને હત્યા કરી હતી અને ત્યારબાદ ગત ૧૧મી જુલાઈના મંગળવારની સવારે તેણે પણ મકાનમાં ફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જાેકે આ સમયે તેના મકાનમાં સરનામુ પુછવા માટે આવેલી અજાણી વ્યકિતએ બુમરાણ મચાવતા મકાનમાલિક અને તેમના પરિવારજનોએ દક્ષાને ફાંસો ખાતા અટકાવતા તેનો બચાવ થયો હતો. આ ઘટના મંગળવારે સવારે બન્યા બાદ આજે પંચાલ પરિવારે પણ મંગળવારના સવારે જ સામુહિક આપઘાત કરતા શહેરમાં એક જ માસમાં મંગળવારની સવાર વધુ એક વાર ગોઝારી સાબિત થઈ છે.

દર્દ સહન થતું નોહતું છતાં મુકેશભાઈએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા

મુકેશભાઈને તેમના પુત્રનું ફાંસો ખાવાના કારણે અને પત્નીએ વિષપાન કરવાના કારણે મોત થયાની જાણ થતાં તેમણે પણ આપઘાત કરવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. એક હુંકમાં પુત્રનો મૃતદેહ લટકેલો હોઈ અને ઘરમાં લાવેલી ઝેરની બંને બોટલો પત્નીએ ખાલી કરી નાખી હોઈ મુકેશભાઈને આપઘાત માટે અત્યંત પિડાદાયક માર્ગ પસંદ કરવાની ફરજ પડી હતી. મુકેશભાઈએ રસોડામાંથી ચાકુ લાવી ગળા પર જાતે ઘા કર્યા બાદ દાઢી કરવાની બ્લેડથી ગળા પર ચીરા મારવાની શરૂઆત કરી હતી. ગળા પર બ્લેડના ચીરા મારતી વખતે પિડા સહન નહી થતાં તેમણે બચાવ માટે બુમો પાડી હતી. જાેકે પત્ની અને પુત્રના મૃતદેહો નજર સામે હોઈ પિડા સહન નહી થવા છતાં તેમણે વધુ ઝનુનપુર્વક જાતે ગળા પર ચીરા માર્યા હતા અને ગળાની ઠેક અંદર સુધી તેમને ગંભીર ઈજાઓ પહોંચતા ટુંકી સારવાર બાદ તેમનું પણ મોત નિપજ્યું હતું.

નયનાબેને એક્સેસ પોઈઝન ડ્રિન્કિંગ કર્યાનો રિપોર્ટ

નયનાબેન પંચાલનું ઝેરી દવા પીવાના કારણે મોત નિપજ્યું હોઈ તેમણે જાતે દવા પીધી છે કે પછી તેમને પતિ કે પુત્રએ બળજબરીથી ઝેરી દવા પીવડાવી છે તેની ખરાઈ માટે નયનાબેનનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં નયનાબેનના શરીરમાંથી વધુ પડતા ઝેરનો જથ્થો મળ્યો હતો. આ અંગે પીઆઈ તિવારીએ જણાવ્યું હતું કે નયનાબેનના શરીરમાંથી જેટલુ ઝેર મળ્યું છે તે કોઈ પણ વ્યક્તિને બળજબરીથી પીવડાવવાનું અશક્ય છે. નયનાબેનના શરીરમાંથી એક્સેસ પોઈઝન મળતા તેમણે પોતે કોઈ પણ રીતે બચી ના શકે તેવું નક્કી કરીને જ વધુ પડતુ ઝેર પીધું હતું. તેમનું આશરે ચારેક વાગે મોત થયાનું અનુમાન હોઈ તેમણે ગત રાત્રે જ ઝેર પીધું હોવાની શંકા છે.

પરિવારને આજે ભાડાનું મકાન ખાલી કરવાની તાકીદ કરાયેલી

મુકેશભાઈ જે મકાનમાં ભાડેથી રહે છે તે મકાન હાલમાં વિવેક સિંહ નામના યુવકે જુના માલિક પાસેથી ખરીદયુ છે. વિવેક સિંહે મુકેશભાઈને જાણ કરી હતી કે તેણે આ મકાન ખરીદયુ છે એટલે તે એક માસમાં આ મકાન ખાલી કરી દે. એક માસની મુદત આજે પૂરી થતાં મુકેશભાઈને આજે મકાન ખાલી કરવાનું હતું અને મુકેશભાઈ દાંડિયાબજાર વિસ્તારમાં જ ભાડાનું એક મકાન નક્કી પણ કરી આવ્યા હતા. જાેકે મકાન ખાલી કરવાના દિવસે મુકેશભાઈએ પરિવાર સાથે સામુહિક આપઘાત કરતા પોલીસે નવા મકાનમાલિકની પણ પૂછપરછ કરી હતી.

યુવાન પુત્ર બેકાર હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા

મુકેશભાઈ ખાનગી સિક્યુરીટી કંપનીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા અને તેમને દર મહિને માત્ર ૭૫૦૦ રૂપિયાનો પગાર મળતો હતો. હાલની કારમી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહીને પોતાનું તેમજ પત્ની અને યુવાન પુત્રનું ગુજરાન ચલાવવાનું અઘરુ હોઈ મુકેશભાઈ વારંવાર ઓવરટાઈમ કરતા હતા જેની તેમણે પોતાની એક ડાયરીમાં પણ નોંધ કરી હતી. આ ઉપરાંત તેમણે ખર્ચાઓને પહોંચી વળવા માટે કંપનીમાંથી ઉપાડ પણ લીધો હોઈ તેની પણ નોંધ ડાયરીમાંથી મળી આવી છે.

કરુણાંતિકાની પરાકાષ્ઠા! પુુત્ર ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાઈ ને બચાવનો પ્રયાસ ન કરી શકે એ માટે માતા-પિતાએ તેનાં હાથ બાંધ્યા!

આજે સવારે પંચાલ પરિવારના મકાનમાં માતા અને પુત્રના મૃતદેહો અલગ અલગ રૂમમાં મળ્યા હતા જેમાં યુવાન પુત્ર મિત્તુલે બનિયન પહેરેલી હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. મિત્તુલની લાશના બંને પગ જમીનને અડેલા હતાં જયારે તેના બંને હાથ ભૂરાં રંગના દુપટ્ટાથી ડબલગાંઠ મારીને બાંધેલી હાલતમાં જાેવા મળતા મિત્તુલે આપઘાત કર્યો છે કે પછી તેની હત્યા કરીને લટકાવી દેવાયો છે તે અંગે પણ શંકાઓ ઉભી થઈ હતી. પ્રારંભીક તપાસમાં પરિવારના ત્રણેય સભ્યોએ જાતે જ આપઘાત કર્યો હોવાની વિગતો સપાટી પર આવતા આ બનાવમાં કરૂણતાની પરાકાષ્ઠાએ સૌને હચમચાવી મૂક્યા હતા. મિત્તુલ ફાંસો ખાઈને આપઘાત કરવાનું નક્કી કરતા ફાંસો ખાધા બાદ શ્વાસ રૂંધાતા જ તે બચાવ માટે જાતે પ્રયાસ કરશે અને મોતને કદાચ હાથતાળી આપશે તેવી ખાતરી હોઈ ખુદ માતા-પિતાએ જ યુવાન પુત્રના બંને હાથ દુપટ્ટાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ પુત્રએ ફાંસો ખાધો હતો.

મરી જ જવાનો નિર્ધાર કરી પરિવાર કાયમ માટે પોઢી ગયું

કાછિયાપોળમાં પંચાલ પરિવારના સામુહિક આપઘાત પ્રકરણની પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે કે પરિવાર આર્થિક ભીંસથી એટલી હદે કંટાળ્યું હતું કે તેઓએ ગમે તે ભોગે એક સાથે જ જીવનનો અંત લાવવાનું સામુહિક નિર્ણય લીધો હતો. ત્રણેય જણાએ એક જ પધ્ધતીથી આપઘાત કરશે તો કદાચ કોઈનો બચાવ થઈ જશે તેવુ લાગતા પુત્રએ બંને હાથ બાંધીને ફાંસો ખાઘો હતો જયારે માતાએ અત્યંત તીવ્ર જંતુનાશક ઝેરી દવા પીધી હતી. અંતે પિતાએ જાતે ગળા પર બ્લેડના ચીરા માર્યા અને પરિવાર કાયમ માટે પોઢી ગયું હતું.

પુત્ર મિત્તુલને શેરબજારમાં દેવું થતાં પરિવાર ભીંસમાં મૂકાયું

મુકેશભાઈનો યુવાન પુત્ર મિત્તુલ હાલમાં કોઈ કામધંધો કરતો ન હોઈ મુકેશભાઈને બેકાર પુત્રનું પણ ભરણપોષણ કરવાની ફરજ પડી હતી. મળતી વિગતો મુજબ મિત્તુલને તેના આડોશપાડોશમાં કોઈની સાથે મિત્રતા નહોંતી અને અગાઉ તે શેરબજારનું કામ કરતો હતો તેમાં તેને ખોટ ગઈ હતી. પુત્રએ દેવાળું ફુંકતા મધ્યમવર્ગીય પરિવાર આર્થિક ભીંસમાં મુકાયું હતું અને પુત્રની નિષ્ફળતાના કારણે સમગ્ર પરિવારનો ભોગ લેવાયો હોવાનું પણ મનાઈ રહ્યું છે.

પરિવારને સંબંધી કે પડોશીઓ સાથે કોઈ સંપર્ક ન હતો!

મુકેશભાઈ પંચાલે પુત્ર અને પત્ની સાથે આપઘાત કર્યાની જાણ થતાં જ મુકેશભાઈના બે સગા ભાઈઓ જે વડોદરામાં રહે છે તે પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે આ બંને ભાઈઓની તેમજ મુકેશભાઈના પાડોશીઓની પુછપરછ કરી હતી જેમાં એવી વિગતો મળી હતી કે મુકેશભાઈ અને તેમના પરિવારને છેલ્લા દસેક વર્ષથી ભાઈઓ કે અત્રે રહેતા સંબંધીઓ સાથે સંપર્ક નહોંતો અને માત્ર મરણપ્રસંગોમ ક્યારેક ભેગા થતા હતા.