ગાંધીનગર-

મધ્યપ્રદેશ પર વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સરકયુલેશનથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. મહિસાગર, ખેડા, સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ બનાસકાંઠા, અમદાવાદમાં પણ ભારે વરસાદી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો ગાંધીનગર, મોરબી, કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. મોરબીના હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી સાંજથી સાર્વત્રિક ગાજવીજ તેમજ કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. દીઘડીયા, સાપકડા,ચિત્રોડી, ભલગામડા,સાપકડા, મેરૂપર, કવાડીયા, માનસર, સુંદરગઢ, કીડી,જાેગડ,રણમલપુર, ઘણાદ ,લીલાપુર, ટીકર,અજીતગઢ, માનગઢ, મિયાણી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. 

અમદાવાદ શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોડી રાતથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ જિલ્લોના સાણંદ સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાણંદ તાલુકાના શેલા, સનાથલ, ચાંગોદર, મોડાસર, માણકોલ, રેથલ, ચરલ, ઝોલાપુર, ખોરજ, છારોડી, ઈયાવા,ગોધાવી, મનીપુર સહીતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. વરસાદને લઈને હાઇવે પર વાહનચાલકોને વિઝિબિલિટી ઓછી થતાં મુશ્કેલી સર્જાઈ છે. સવારે ૮ વાગ્યા સુધીમાં ૨૭એમએમ વરસાદ ખાબક્્યો છે. સાણંદમાં સીઝનનો કુલ ૨૩.૮૪ ઇંચ વરસાદ ખાબકી ચુક્્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે.

ડેમના કેચમેન્ટ એરિયા ૫ થી ૫ ઈંચ વરસાદ ખાબકતા ડેમ પર પાણીની આવક ૧,૪૨૧૪૫ કયુસેક થઈ છે. દરલાકે જળ સપાટી ૮ થી ૧૦ સેન્ટિમીટર વધે છે. જળ સપાટી ૧૨૪.૬૨ મીટરે પહોંચી ગઈ છે. હજુ પણ ૧૨૦૦ મેગાવોટ વીજ ક્ષમતાના રિવર બેડ પાવર બંધ રખાયું છે. ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને ૧૩૮.૬૮ મીટર સુધી ભરી શકાય છે. નર્મદા ડેમની જળ સપાટી વધી રહી છે જે ગુજરાત માટે સારા સમાચાર છે. સુરતમાં સાર્વત્રિક મેઘમહેર યથાવત છે. આખી રાતમાં સુરત શહેરમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરની બહાર પાણી ભરાયા હતા. હાલ સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદ પડશે. તમામ જિલ્લા કલેક્ટરને પરિસ્થિતિ પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે, તો એનડીઆર એફની વધુ કેટલીક ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. સ્ટેટ ઈમરજન્સી કંટ્રોલ સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજવામાં આવી હતી. મુખ્ય સચિવ અનિલ મુકીમના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી. બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. અને પરિસ્થિતિને પહોંચી વળવા અંગે સમીક્ષા કરી હતી.