પ્રદિપસિંહ જાડેજાને હાઇકોર્ટે આપી રાહત, 2007માં આચારસંહિતા ભંગ બદલની ફરિયાદ રદ
26, ઓક્ટોબર 2020

અમદાવાદ-

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટે મોટી રાહત આપી છે. પ્રદિપસિંહ જાડેજા સામે 2007માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદને હાઇકોર્ટે રદ કરી નાખી છે. વર્ષ 2007માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદિપસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. 11 ડિસેમ્બર અને 16 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ હતી. નવરાત્રિ દરમિયાન 10 ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદિપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામનો ઉલ્લેખ વગરની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેને લઇને તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે પ્રદિપસિંહ જાડેજા સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવી હતી. 

ચૂંટણી હોવાને કારણે પ્રદિપસિંહે પ્રચાર કરતા પેમ્ફલેટ પણ વેચ્યા હતા. જેમાં અસારવાના ધારાસભ્યના નામથી આપણુ ગુજરાત, આપણુ અસારવાના નામે સ્લોગન લખેલુ હતું જેમાં નરેન્દ્ર મોદી અને પ્રદિપસિં જાડેજાની તસવીર હતી. કલેક્ટરે ગંભીર નોંધ લઇ અસારવાની ચૂંટણી પંચની કચેરીને કોર્ટમા અરજી કરવા આદેશ કર્યો હતો. તે પછી 30 ડિસેમ્બરે મેટ્રોપોલિટન કોર્ટે પ્રદિપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. આ હુકમને પ્રદિપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે હવે પ્રદિપસિંહ જાડેજાને રાહત આપતા આ ફરિયાદને રદ કરી છે. મહત્વપૂર્ણ છે કે પ્રદિપસિંહ જાડેજા અત્યારે ગુજરાત સરકારમાં ગૃહ રાજ્યમંત્રી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution