અમદાવાદ-
ગુજરાતામાં આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન કેટલીક જિલ્લા પંચાયતોની બેઠકોમાં મહિલા અનામતના રોટેશનનો નિયમ પ્રમાણે અમલ ન થયો હોવાની ફરિયાદ કરતી પિટિશનો ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. આ બેઠકો છેલ્લાં ૨૦ વર્ષથી કે ત્રણ ટર્મથી મહિલાઓ માટે જ અનામત હોવાથી પુરૃષ ઉમેદવારોને તક ન મળતી હોવાની રજૂઆત કરાઇ હતી. હાઇકોર્ટે નોંધ્યું છે કે ચૂંટણી પ્રક્રિયા શરૃ થઇ ચૂકી હોવાથી કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરવા માગતી નથી.
તાપી જિલ્લા પંચાયતમાં આવતી ચિમેર બેઠકના એક મતદારની પિટિશન હતી કે ચિમેર બેઠક છેલ્લાં ૨૦ વર્ષથી અનુસૂચિત જનજાતિની મહિલાઓ માટે અનામત છે. વીસ વર્ષથી અહીં રોટેશન કરાયું નથી અને આ બેઠક અનુસૂચિત જનજાતિના પુરૃષ અને મહિલા બન્ને ઉમેદવારો માટે જાહેર કરાઇ નથી. તાપી જિલ્લા પંચાયતની બોરડા બેઠક પણ છેલ્લી ત્રણ ટર્મથી મહિલા ઉમેદવાર માટે અનામત છે. પાટણ અને ગાંધીનગર જિલ્લાની કેટલીક બેઠકોમાં પણ આવી જ પરિસ્થિતિ હોવાથી વિવિધ પિટિશનો દ્વારા રજૂઆત કરાઇ હતી કે આ બેઠકો પરથી લડવાની પુરૃષોને પણ તક મળવી જાેઇએ અને રોટેશનનો યોગ્ય રીતે અમલ થવો જાેઇએ.
આ પિટિશનોના વિરોધમાં રાજ્ય ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરાઇ હતી કે બંધારણના અનુચ્છેદ ૨૪૩-ઓ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા શરૃ થયા બાદ કોર્ટ ચૂંટણીની બાબતોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં અને અરજદારો પણ આવી રીતે રિટ કરી શકે નહીં. અરજદારો ઇચ્છે તો પરિણામ જાહેર થયા બાદ આ મુદ્દે ઇલેક્શન પિટિશન કરી શકે છે. જાે કે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી તેમજ અ ત્યારે કોર્ટ કોઇ આદેશો આપે તો પ્રક્રિયા પર ઘેરી અસર થવાની સંભાવના હોવાથી તમામ પિટિશનો ફગાવવામાં આવી છે.