21, મે 2022
અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે ગરમીમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બે દિવસ, ૨૦થી ૨૨મે સુધી શહેરમાં હિટવેવની શક્યતાઓ છે. શુક્રવારે અમદાવાદ અને ગાંધીનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. ત્યારે ગરમીનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. ગુરૂવારે અમદાવાદ ૪૩.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો.હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી ત્રણ દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં આગામી ૨૦થી ૨૨ મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં ૪૩.૫ ડિગ્રી નોંધાઇ હતી. આ સાથે ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં ૪૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. રાજકોટ, અમરેલી જુનાગઢ, ભૂજ, વડોદરા, ડીસા, પાટણમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર ગયો હતો. આ ઉપરાંત ભાવનગરમાં ૩૯.૨, સુરતમાં ૩૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયા છે જેની અસરથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. જેથી અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ગરમ પવનોનો ફૂંકાઇ રહ્યા છે.