સુરત-

કીમ ચાર રસ્તા સ્ટેટ હાઇવને અડીને આવેલા ફૂટપાથ પર રાત્રીના સુતેલા શ્રમજીવી પરિવારના સભ્યો પર ટ્રક ફરી વળતા ૧૪ લોકોનો ભોગ બન્યા હતા. આ ચોકાવનારી ઘટનામાં ગરીબ શ્રમિકોના પરિવારના માસુમ બાળકોની મદદ માટે સુરત ગ્રામ્ય પોલીસે પહેલ કરી છે. અકસ્માતમાં મોતને ભેટેલા શ્રમિકોને સરકાર તરફથી રોકડ રકમની સહાય કરવાની જાહેર કરાઇ હતી. પણ સ્થાનિક રાજકારણીઓએ કોઈપણ પ્રકારે સહાયરૂપ થવાની પહેલ કરી નથી, ત્યાં સુરત ગ્રામ્ય પોલીસ અકસ્માતનો ભોગ બનેલા ગરીબ શ્રમિકોના માસુમ બાળકોને વહારે આવી છે. સુરત રેંજ આઈ.જી રાજકુમાર પાંડિયનના માર્ગ દર્શન હેઠળ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઉષા રાડના પ્રયત્નો થકી રાજસ્થાનના શ્રમિક પરિવારના બાળકોને આર્થિક સહાય કરવાના ભાગરૂપે સુરત ગ્રામ્યના ૧૨૦૦ પોલીસ જવાન પોતાનો એક દિવસનો પગાર સહાય માટે જમા કરાવશે.

તમામ પોલીસ સ્ટેશન સહિત અન્ય પોલીસ વિભાગની અન્ય એજન્સીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ એક દિવસના પગાર સાથે બીજી અંગત મોટી રકમ સહાયમાં આપી મોટું ભંડોળ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. જે અન્ય લોકોને પણ મદદ માટે આગળ આવવા પ્રેરણા આપી રહી છે. પોલીસ જવાનનો એક દિવસના પગાર લેખે અંદાજીત ૧૦ લાખ જેટલી માતબર રકમ ભેગી થશે. જે સુરત ગ્રામ્ય પોલીસના ૧ ડી.વાય.એસ.પી અને ૧ મહિલા પોલીસ રાજસ્થાનના કુશલગઢ ખાતે ભોગ બનનારા શ્રમિકોના ઘરે જઇને તેમના પરિવારજનોને મળી ભોગ બનેલા મજુરોના નિરાધાર થયેલા માસુમ બાળકોના બેંક ખાતામાં એફ.ડી કરી રોકડ રકમ જમા કરાવી આવશે. જે બાળકો ૧૮ વર્ષના થયા બાદ તેમને મળશે.

હચ મચાવી દેનાર માર્ગ અકસ્માતની ઘટનામાં માતા પિતા સાથે સુતેલી ૬ મહિનાની માસુમ બાળકીનો ચમત્કારિક બચાવ થયો જયારે તેના માતા પિતાનું મોત તથા બાળકી નિરાધાર બની. ઘટના સ્થળે લાસોની વચ્ચે માસુમ બાળકીનું રૂદન સાંભળી પોલીસ હચ મચી ઉઠી હતી ત્યારે અહીં હાજર પોલીસ અધિકારીઓ એ બાળકીનો સહારો બનવાનું મનોમન નક્કી કરી ઉપરી અધિકારીનું આ બાબતે ધ્યાન દોરતા સહાયની કામગીરી કરવાનું નક્કી કરાયું હતું. અકસ્માતમાં ચમત્કારિક રીતે બચેલી માસુમ બાળકી પોલીસની મદદે નવી જીંદગી જીવશે.