વડોદરા : મૃત્યુશૈયા પર સૂતેલા પતિની યાદગીરી રૂપે માતા બનવાની તીવ્ર ઈચ્છા ઝંખતી પત્નીએ ભારે જહેમત બાદ કોર્ટરાહે પતિના સ્પર્મ સેમ્પલ મેળવવાની મંજૂરી મેળવ્યા બાદ આજે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અત્યંત ક્રિટિકલ પરિસ્થિતિમાં હોસ્પિટલના નિષ્ણાત તબીબની ટીમ દ્વારા કોર્ટના આદેશ અનુસાર દર્દીના સ્પર્મ સેમ્પલ લીધા હતા અને આ સેમ્પલને બેંકમાં સ્ટોર કરવામાં આવ્યા હોવાનું સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેકટર અનિલ નામબીયરે જણાવ્યું હતું. એટલું જ નહી, પત્નીની ઈચ્છા માતા બનવાની પરિપૂર્ણ થશે તેમ ઉમેર્યું હતું.

આ સમગ્ર બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમદાવાદની યુવતી કેનેડા ગયા બાદ ભરૂચના કેનેડા સ્થાયી થયેલા યુવાન સાથે પ્રેમસંબંધ થતાં બંનુે કેનેડા પીઆર ધરાવતા હોવાની કેનેડામાં લગ્ન કરી લીધા હતા. તે બાદ તેઓ પતિ-પત્ની તરીકે એકબીજા સાથે રહેતા હતા. પરંતુ ન જાણ્યે જાનકી નાથે સવારે શું થવાનું છે એ કોઈ જાણી શકયું નથી. ગત ફેબ્રુઆરી ૨૦૨૧માં યુવતીના પતિના પિતાને હૃદયની ગંભીર બીમારીને બંને પતિ-પત્ની પિતાની સારસંભાળ માટે માર્ચ ૨૦૨૧માં સ્વદેશ ભારત પરત આવ્યા હતા. પતિ રોજ હોસ્પિટલમાં પિતાની સેવા કરવા જતો હતો અને પિતાના હૃદયનું ઓપરેશન સફળ થયું હતું અને તેઓ ઝડપથી સાજા થવા માંડયા હતા. પરંતુ કુદરતે કંઈક અલગ જ ધાર્યું હતંુ. પિતાની સેવામાં સતત હોસ્પિટલમાં સમય વિતાવનાર પુત્રને કોરોનાનું ઈન્ફેકશન લાગ્યું હતું જેથી કોરોનાની સારવાર માટે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન પતિની તબિયત સુધરવાને બદલે સ્થિતિ વધુ કથળતી જતી હતી. આખરે તેને એકમો સપોર્ટ પર રાખવામાં આવ્યો હતો. અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરની સ્થિતિ આવી હતી. પોતાના પતિને બેહદ પ્રેમ કરતી પત્નીએ પતિના જ સંતાનની માતા બનવાની ઈચ્છા દર્શાવી હતી. તે બાદ તેણીએ આઈવીએફ પ્રોસિજર અપનાવવાનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ પતિની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી હતી અને તબીબોએ પણ પતિના જીવનના ર૪ કલાકની મુદત આપી હતી.

જેથી પત્નીએ ગુજરાત હાઈકોર્ટમાં મૃત્યુશૈયા પર સૂતેલા પતિના સ્પર્મ (વીર્ય)ના સેમ્પલ મેળવી તેના દ્વારા માતા બનવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટે પણ ઈતિહાસમાં પ્રથમ વખત જ હોસ્પિટલમાં મૃત્યુશૈયા પર પડેલા પતિના વીર્યના સેમ્પલ મેળવવા માટેનો કિસ્સો આવતાં હાઈકોર્ટે પણ ગંભીરતા પારખીને વિશેષાધિકારની રૂએ માત્ર ગણતરીની મિનિટમાં ચુકાદો આપી પતિના સ્પર્મના સેમ્પલ લેવાની મંજૂરી આપી હતી. એટલું જ નહીં, સ્થિતિની ગંભીરતા પારખીને ચુકાદાની ટેલિફોનિક જાણ હોસ્પિટલને કરવામાં આવી હતી. પરંતુ હોસ્પિટલમાં દર્દીના સ્પર્મના સેમ્પલ લેવા માટે હોસ્પિટલના નોમ્સની જટિલ પ્રક્રિયાને તેમજ દર્દીની કથળેલી સ્થિતિને કારણે તબીબી ટીમ દ્વારા સ્પર્મના સેમ્પલ લેવામાં વિલંબ થઈ રહ્યો હતો. જાે કે, આજે નિષ્ણાત તબીબોના અભિપ્રાય અનુસાર દર્દીના સ્પર્મના સેમ્પલો લેવામાં આવ્યા હતા. અને તેને બેન્કમાં સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હોવાનું સ્ટર્લિંગ હોસ્પિટલના ઝોનલ ડાયરેકટર અનિલ નામબીયરે જણાવ્યું હતું. હવે આઈવીએફનો પ્રોસિજર કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું.

----------

‘’