06, ડિસેમ્બર 2024
990 |
સુરત, ભારતીય જનતા પાર્ટીનાં મહિલા મોરચાનાં વોર્ડ પ્રમુખ દિપીકા પટેલનાં આપઘાતનું પાછળનું કારણ તેણીએ ચિરાગ સોલંકીને કહેલા અંતિમ શબ્દોમાં જ છુપાયેલું છે. મને ખુબ ટેન્શન આવે છે, હું આ રીતે જીવી શકું એમ નથી. તું તારું જાેઈ લેજે, દિપીકાની આ વાત ચિરાગ સાથે કોઇક મુદ્દે થયેલા અણબનાવ કે મનદુઃખનો ચિતાર આપનારી છે. પોલીસની તપાસમાં પણ આવા ઘણાં તથ્યો ઉજાગર થયા છે, જાે કે ફરિયાદ ન હોવાથી કાર્યવાહી મામલે લાચાર સ્થિતિમાં મુકાઈ હોવાનું જાણવા મળે છે. ભીમરાડ ગામમાં રહેતી દિપીકા નરેશ પટેલે પહેલી ડિસેમ્બરે બપોરનાં બે વાગ્યા આસપાસ પોતાના ઘરે દુપટ્ટાથી ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આપઘાત પહેલા તેણીએ કોર્પોરેટર ચિરાગ સોલંકીને કોલ કર્યો હતો. આપઘાત પહેલા તેઓ વચ્ચે દસેક કોલ થયા, જેમાં બે વખત તેઓએ વાત કરી બાકીનાં કોલ રીસિવ કરી કટ કરી દેવાયેલા હતાં. ચિરાગે પોલીસને એવું જણાવ્યું હતું કે, દિપીકાએ તેની સાથે કંઇક એવી વાત કરી હતી કે, હું ખૂબ ટેન્શનમાં છું. મને કંઈ સમજાતું નથી, આ રીતે જીવી શકું એમ નથી, તુ તારુ જાેઇ લેજે. દિપીકાની આ વાતથી તે ખોટું પગલું ભરી બેસશે એવું લાગતા ચિરાગ તેણીનાં ઘરે દોડી ગયો હતો. દિપીકાનાં અપમત્યુંને પાંચ દિવસ વિતવા છતાં તેણીએ આ આત્યંતિક પગલું શા માટે ભર્યું એ પોલીસ જાહેર કરી શકી નથી. પોલીસે કરેલી તપાસમાં કારણ તો મળી ગયું છે પરંતુ ફરિયાદના અભાવે તે જાહેર કરવા અને તેને અનુલક્ષીને કાર્યવાહી કરી શકાઈ નથી. ચિરાગે પોલીસને દિપીકા સાથે અંગત સંબંધ હોવાની વાત જણાવી હતી, પરંતુ આ સંબંધમાં કંઇ એવું થયું કે જે લાગણીશીલ સ્વભાવની દિપીકા પચાવી શકી ન હતી, ચિરાગ સાથે તેણીને પારિવારિક અને પ્રોફેશનલ એમ બંને પ્રકારનાં સંબંધ હતા. તેણીએ ચિરાગને ઘણી આર્થિક મદદ કરી હતી, ચિરાગ અને હિમાંશુનાં કહેવાથી તેણીએ શહેર સંગઠનનાં હોદ્દેદારને મોટી રકમ જમીનનાં સોદામાં આપી હતી. દિપીકાએ આ રીતે સંબંધ નિભાવ્યા જ્યારે ચિરાગ તરફથી પીછેહઠ કરાઇ એનો આઘાત પઝેસિવ નેચરની દિપીકા સહન કરી શકી ન હતી એવું કહેવાય રહ્યું છે. દિપીકાએ છેલ્લા કોલમાં શું કહ્યું એનો જવાબમાં ચિરાગ સોલંકીએ પોલીસને જે વાત જણાવી એ જ તેણીનાં મનની સ્થિતિનો ચિતાર આપી જાય છે. હું આ રીતે જીવી શકું નહી, તુ તારુ જાેઇ લેજે દિપીકાનાં આ શબ્દોથી ચિરાગ સાથેના અણબનાવ કે મનદુઃખ થયાનું જણાય આવે છે. અને તેના કારણે જ તેણીએ આપઘાત કર્યો હોય શકે એવી વાત બંધ મોઢે બધા ચર્ચાઇ રહી છે. પોલીસ પાસે પણ આ બાબતનાં ઘણા પુરાવા આવ્યા છે. કાંઠા વિસ્તાર કોળી પટેલ સમાજનો રોષ પણ ચિરાગને જ દોષી માની રહ્યો છે. અંતિમ સંસ્કાર અને બેસણામાં ખૂદ ચિરાગને આ વાતનો અહેસાસ અને અનુભવ થઇ ચૂક્યો છે. જાે કે, દિપીકાનાં પરિવારજનો હજી આ મૌન સેવી રહ્યા છે અને આ મૌન આખા સમાજને અકળાવી રહ્યું છે.