પાટણ, પાટણના પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રયમાં બિરાજમાન જૈનાચાર્ય જયંતસેન સુરીજી મહારાજના શિષ્ય મુનિરાજ ચારિત્ર્ય રત્ન વિજયજીની નિશ્રામાં રવિવારે હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન વ્યાકરણ ગ્રંથ સહિત ૪૫ ગ્રંથોનું ચાંદીની મુદ્રાથી પૂજન કરવામાં આવ્યું હતું. સવારે સિદ્ધહેમ ગ્રંથની હાથીની અંબાડી પર યાત્રા કાઢવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ‘જૈન ધર્મમાં નાની ઉંમરમાં ત્યાગના સંસ્કાર આપવામાં આવે છે. જેથી મે પણ એક જ ઘામાં મુખ્યમંત્રી છોડી દીધું’. પાટણના સંઘના ઉપક્રમે સમુદાયના સાધુ-સાધ્વીજી ભગવંતો છેલ્લા ત્રણ વર્ષથી પાટણ નગરે ધાર્મિક અધ્યયન કરી રહ્યા હતા. જેની અનુમોદના અર્થે સંઘ દ્વારા બે દિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રિસ્તુતિક ઉપાશ્રય ખાતેથી સિદ્ધહેમ ગ્રંથ તેમના કરકમળમાં લઈને મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જૈન ધર્મમાં સાધુ-સાધ્વીજી તેમના શરીરની પરવા કર્યા વગર ભગવાન મહાવીરના ઉપદેશને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. જૈન ધર્મમાં નાનપણથી ત્યાગ કરવાના સંસ્કાર આપવામાં આવે છે અને તેના લીધે જ મેં પણ મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. ત્યાગ એ સંસ્કૃતિનો ભાગ છે. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જૈન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વાઘજી વોરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે જ્ઞાન પૂજા કરવામાં આવી હતી. મુનિરાજ ચારિત્ર રત્ન વિજયજી અને નિપુણરત્ન વિજયજી આદિ સાધુ-સાધ્વી આદિ ઠાણા ૩૪ના સાનિધ્યમાં પંચાસરા જૈન દેરાસર પાસે આવેલા સિદ્ધહેમ જ્ઞાનપીઠના માધ્યમથી વિશાળ રંગમંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. રંગમંડપના મધ્યમાં રંગબેરંગી રંગોળીથી સજ્જ સ્ટેજ બનાવી તેના પર ધાર્મિક ગ્રંથો સ્થાપિત કરીને ચાંદીની મુદ્રાઓથી પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈન સાધુ ભગવતોને ધાર્મિક અધ્યયન કરાવનાર પંડિત ચંદ્રકાંતભાઈ સંઘવી આદિ પંડિતોનું બહુમાન કરાયું હતું. આ પ્રસંગે જૈનસમાજના લોકો ભાજપના અગ્રણી કે.સી. પટેલ દશરથજી ઠાકોર કિશોર મહેશ્વરી ધીરુભાઈ શાહ શૈલેષભાઇ શાહ વગેરે હાજર રહ્યા હતા.