એકટર સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હાલ નેપોટિઝમની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન એક્ટ્રેસમાંથી પ્રોડ્યૂસર બનેલી અનુષ્કા શર્માએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું ‘હું એક્ટિંગ ઈન્ડસ્ટ્રીઝમાં બદલાવ કરીશ અને સાચા પ્રતિભાશાળી કલાકારોને તેમની ક્ષમતા દેખાડવાનો મોકો આપીશ. એકમીડિયા અહેવાલ પ્રમાણે, અનુષ્કા શર્માએ કહ્યું - “જ્યારે હું ૨૫ વર્ષની વયે પ્રોડ્યૂસર બની હતી ત્યારથી જ હું સ્પષ્ટ હતી કે પ્રતિભાશાળી લોકોને મોકો આપીશ. જે તેમની નેચરલ પ્રતિભા સાથે ઓળખ બનાવવા માટે પોતાનું સર્વસ્વ આપી દે છે અને ફિલ્મોના બિઝનેસમાં પ્રવેશ કરે છે. અનુષ્કાનું પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ દર્શકોને સારું કન્ટેન્ટ આપે છે અને નવા પ્રતિભાશાળી એક્ટર્સને પણ મોકો આપે છે. પ્રોડક્શન હાઉસે વર્ષ ૨૦૧૫માં પ્રથમ ફિલ્મ ‘એનએચ ૧૦’ પ્રોડ્યૂસ કરી હતી. જે બાદ ‘ફિલ્લૌરી’ અને ‘પરી’ જેવી ફિલ્મો પણ પ્રોડ્યૂસ કરી છે. અનુષ્કાએ આદિત્ય ચોપડાની ફિલ્મ ‘રબ ને બના દી જાડી’થી ડેબ્યૂ કર્યુ હતું. આ ફિલ્મમાં તેણે શાહરૂખ ખાન સાથે એક્ટિંગ કરી હતી. અનુષ્કાએ કહ્યું, બોલિવૂડમાં મારી સફર ખૂબ રસપ્રદ રહી છે. મારા અનુભવથી મળેલી મહત્વપૂર્ણ શીખને હું ભાઈ કર્ણેશ સાથે મળીને અમારી પ્રોડક્શન કંપની માટે લાગુ કરી રહી છું. અનુષ્કાના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ ‘બુલબુલ’ તાજેતરમાં જ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મને ઘણું સારું રેટિંગ મળ્યું છે. આ પહેલા તેના પ્રોડક્શનમાં બનેલી વેબ સીરિઝ ‘પાતાલ લોક’ની પણ ઘણી પ્રશંસા થઈ હતી.