ગાંધીનગર-

રાજ્ય સરકારની કામગીરીને લઇને વિરોધ પક્ષ એટલે કે, કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય દ્વારા અવાર નવાર સરકાર પર કોઈને કોઈ મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકાર અને ભાજપના નેતાઓ પર વિવાદિત નિવેદન કરવાને લઈને કોંગ્રેસના એક મહિલા ધારાસભ્ય અવાર નવાર વિવાદમાં આવે છે. ત્યારે આ મહિલા ધારાસભ્ય ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. તેમને ભાજપના સભ્યોને લઈને એક એવું નિવેદન આપ્યું હતું. તેનાથી તેઓ ચર્ચામાં આવ્યા છે. કોંગ્રેસના આ મહિલા ધારાસભ્યનું નામ છે ગેની ઠાકોર.

રિપોર્ટ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોર તેજાબી ભાષણ કર્યા હોવાના કારણે અવાર નવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તેઓ તેમના નિવેદનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વધુ એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, કોંગ્રેસની સરકારો બનેશે તો મને સચિવાલયના ગેટ પર બેસાડી દો. મારે ભાજપવાળાને અંદર ઘુસવા નથી દેવા. તેમને હું ગેટ પર જ રોકી રાખીશ અને સચિવાલય અપવિત્ર ન કરે તેનું ધ્યાન રાખીશ. ગેની ઠાકોરના આ નિવેદનને લઈને રાજકારણ ગરમાયું છે. આટલું જ નહીં ગેની ઠાકોરે તેના પાંચ મિનિટના ભાષણમાં ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને ભાજપના સભ્યોને તેને નિવેદન દરમિયાન આતંકવાદી સમાન પણ ગણાવ્યા હતા.

ગેની ઠાકોરે વિવાદિત નિવેદન કરતાં એવું પણ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર બનશે તો હરિદ્વારથી ગંગાજળ લાવીને આખું સચિવાલય પવિત્ર કરવું પડે તેમ છે. સચિવાલયને આ લોકોએ એટલું અપવિત્ર કરી દીધું છે કે, હરિદ્વારથી ગંગાજળ લાવીને તેને પવિત્ર કરવું પડી શકે છે અને સાથે જ તેમને બનાસકાંઠાની પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે, બનાસકાંઠા પોલીસને માસ્ક બાબતે રૂપિયા ઉઘરાવવાનો પણ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને આ જ કારણે પોલીસ દ્વારા જનતાને લૂંટવામાં આવી રહી છે. પોલીસે લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે ગમે તે પ્રકારે મેમો બનાવીને લોકોને લૂંટી લીધા છે. સાથે જ ગેની ઠાકોરે સરકાર પોલીસ પર પ્રેશર આપીને પોતાને મનગમતા કારનામાં કરાવી રહી હોવાના પણ આક્ષેપ કર્યા છે. સાથે ગેની ઠાકોર ભાજપ સરકાર દ્વારા કરવામાં આવતા ગરીબ કલ્યાણ અને અને અન્ય ઉત્સવને ફોટા પાડવાના તાયફાઓ ગણાવ્યા હતા.