વડોદરા, તા.૧૨ 

શહેરના ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસને અત્યંત મહત્ત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. ગમે તેવા ચાલક ગુનેગારો પણ એક પુરાવો છોડી દેતાં હોય છે એ પુરાવો પોલીસને હાથ લાગી ગયો છે. જ્યારે એફઆઈઆરને સમર્થન આપતાં નિવેદનો માટે પણ બે જવાનો તૈયાર થયા છે જેના કારણે મૃતદેહ મળ્યા વગર પણ ગુનો સાબિત કરી શકાશે એમ તપાસ અધિકારીઓ માની રહ્યા છે. બીજી તરફ શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા માટે એક નહીં પણ બે કાર વપરાઈ હોવાનું બહાર આવ્યું છે. જ્યારે મૃતદેહને સળગાવી દેવાયો હોવાની જાણકારી હાથ લાગતાં પોલીસે પુરાવાઓ ભેગા કરવાનું શરૂ કર્યું છે. 

ગત તા.૧૦મી ડિસેમ્બરે ચોરીના આરોપ હેઠળ ફતેગંજ પોલીસ મથકે લેવાયેલા શેખ બાબુની હત્યા કરી દેવાઈ હોવાની વિગતો એસીપીની તપાસમાં બહાર આવ્યા બાદ પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો એ પહેલાંથી છ આરોપીઓ ભાગી છૂટયા હતા. એમને ઝડપી પાડવા માટે પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. ત્યારે શેખ બાબુની હત્યા કેસમાં પોલીસને મજબૂત પુરાવાઓ હાથ લાગ્યા છે. તપાસ અધિકારી સમક્ષ ઉપસ્થિત થયેલા બે જવાનો પૈકી ‘એમ’ નામ ધારીએ ૧૦ મી ડિસેમ્બરની રાતની ઘટના અંગે વર્ણવેલી વિગતોથી ખુદ તપાસ અધિકારી ચોંકી ઊઠયા હતા અને પોલીસની સામેનો કેસ હોવાથી અદાલતમાં પાછળથી હોસ્ટાઈલના થઈ જાય એ માટે ૧૬૪ મુજબનું નિવેદન આપવા જણાવતાં ‘એમ’ નામના ઈસમે તૈયારી દર્શાવી છે અને સોમવારે આ અંગેનું નિવેદન પણ નોંધાઈ જશે એમ સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ ગુનો નોંધાયા બાદ ફતેગંજ પોલીસ મથકમાં એ સમયે કામ કરતા એક ‘વી’ નામધારી જવાને પણ ભવિષ્યમાં એની પણ સંડોવણી બહાર આવી શકે એમ હોવાથી તપાસ અધિકારીઓ સમક્ષ ઉપસ્થિત થઈ આખી ઘટના અંગે એની પાસે રહેલી જાણકારી આપી ૧૬૪ મુજબ નિવેદન નોંધવા માટેની તૈયારી પણ દર્શાવી છે. ‘એમ’ અને ‘વી’ એમ બે જવાનોના સોમવારે નિવેદન માટે અદાલત પહોંચશે, જ્યાં બંધબારણે નિવેદન લેવાશે અને બંધ કવરમાં મુકી ટ્રાયલના દિવસે જ ખોલવામાં આવશે. આમ અત્યાર સુધીની પોલીસની તપાસમાં આ બેના નિવેદનો શેખ બાબુની હત્યા પુરવાર કરી જ શકે એવા હોવાનું પોલીસસૂત્રોએ વિશ્વાસપૂર્વક જણાવ્યું છે. અત્યાર સુધી મૃતદેહ વગર આ કેસ કોર્ટમાં નબળો પડી જશે એમ માનવમાં આવતું હતું,  

પરંતુ આ બેના નિવેદનોથી કેસ વધુ મજબૂત થશે એવું જાણકારોનું માનવું છે અને આ અંગેના પૂરતા અભ્યાસ દરમિયાન ૧૩૦ જેટલા આવા બનાવોની ઝીણવટપૂર્વક અવલોકન કરાયા બાદ આ પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ કોન્સ્ટેબલો ઉપર સાપરાધ માનવવધનો ગુનો નોંધાયો હતો. બીજી તરફ શેખ બાબુના મૃતદેહને સગેવગે કરવા એક નહીં, બે કાર વપરાઈ હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું છે.

મૃતદેહ સળગાવવા માટે લાકડાં શહેરમાંથી લઈ જવાયાં?

શહેરની આસપાસના વિસ્તારોમાં જ શેખ બાબુના મૃતદેહને સળગાવી દેવાયો હોવાનું પોલીસ માની રહી હતી ત્યારે મૃતદેહને સળગાવવા માટે મોટા પ્રમાણમાં લાકડાંની જરૂર પડે એવા સંજાેગોમાં ફતેગંજ કે છાણી વિસ્તારમાં આવેલા લાકડાંના પીઠા કે લાકડાંની વખાર ઉપરથી એ ખરીદાયા હોઈ શકે એવી આશંકા વ્યક્ત કરી આજે પોલીસની જુદી જુદી ટીમોએ નિઝામપુરાથી માંડી ફતેગંજ, નવા યાર્ડ અને છાણી રોડ ઉપર તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મૃતદેહ સગેવગે કરવા માટે બે કારનો ઉપયોગ થયાનું બહાર આવ્યું

શેખ બાબુના હત્યાકાંડની તપાસ કરી રહેલી પોલીસને મૃતદેહ સળગાવી દેવાયો હોવાના પુરાવાઓ હાથ લાગ્યા છે અને મૃતદેહને સગેવગે કરવા માટે એક નહીં પણ બે કાર વપરાઈ હોવાનું શોધી કાઢયું છે. કારણ કે, સળગાવવા માટે મોટા પ્રમાણમાં લાકડાંની જરૂર પડયે ત્યારે મૃતદેહ અને લાકડાં એક કારમાં લઈ જવા શક્ય નહીં હોવાથી હાથ ધરેલી તપાસમાં એલઆરડી જવાનો પૈકી એકના સાળાની કાર બીજી વાહન તરીકે વપરાઈ હોવાનું બહાર આવ્યું છે. આમ પોલીસ શેખ બાબુ હત્યાકાંડમાં ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહી છે.