કોલકત્તા-

ઘણી વખત ચોરીની અજીબોગરીબ ઘટનાઓ બને છે. જ્યારે ચોર પોતાની હરકતોથી ચોરીની ઘટનાને યાદગાર બનાવી દે છે. આવી જ એકે ઘટના પશ્ચિમ બંગાળમાં બની છે. જ્યાં એક ચોરે 45 હજારનો મોબાઇલ ચોરી કર્યો અને થોડા દિવસો બાદ મૂળ માલિકને પરત કર્યો. છે ને ચોંકાવનારી ઘટના. ચોરે આ મોબાઇલ એટલા માટે પરત કર્યો કરાણ કે તેને આ ફોન ચલાવતા આવડતો નહોતો.

આ ઘટના પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાની છે. પોલિસના જણાવ્યા પ્રમાણે ચાર સપ્ટેમ્બરના રોજ વર્ધમાન જિલ્લાના જમાલપુર સ્થિત એક મિઠાઇની દુકાનમાં એક વ્યક્તિ 45 હજારની કિંમતનો ફોન ભુલી ગયો. જેને એક 22 વર્ષના યુવાને ચોરી લીધો. જ્યારે જેનો ફોન હતો તેને ખબર પડી ત્યાં સુધીમાં તો ફોન ચોરી થઇ ગયો હતો. જેથી તે વ્યક્તિએ પોલિસમાં ફરિયાદ નોંધાવી. પોલિસે પોતાની રીતે તપાસ શરુ કરી.

તેટલામાં ત્રણ દિવસ બાદ ફોનના માલિકની ચોર સાથે વાત થઇ. ચોરે કહ્યું કે તે ફોન પરત આપવા માંગે છે. કારણ કે તેને આ ફોન ચલાવતા નથી આવડતો. વાત સાંભળીને તે વ્યક્તિને પણ આશ્ચર્ય થયું. હકીકતમાં રવિવારે ફોન માલિકે જ્યારે પોતાના મોબાઇલ પર ફોન કર્યો, જેને ઉપાડીને ચોરે વાત કરી. ત્યારબાદ ફોનના માલિકે ખુદ ચોરના ઘરે જઇને ફોન લીધો. આ દરમિયાન પોલિસ પણ હાજર હતી. જાે કે ફોનના માલિકના કહેવાથી ચોર ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં.