વડોદરા, તા. ૨૭

સરકાર દ્વારા ૨૦૧૮માં ઠરાવ કરાયો હતો કે, સ્કૂલના વિદ્યાર્થીઓના વઝનના માત્ર ૧૦ ટકા વજન જ તેમની સ્કૂલ બેગનું હોવું જાેઈએ. જાેકે, સરકારનો આ દાવો પોકળ સાબિત થઇ રહ્યો છે. ૨૦૧૮ના સરકારના ઠરાવનો શાળા સંચાલકો દ્વારા અમલ કરાતો નથી. જેના પગલે બાળકોને લાંબા ગાળે મુશ્કેલી પડી શકે છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટી સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલના ધો. ૫થી ૭ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન કરાયું હતું. જે ૭થી ૮ કિલો એટલે વિદ્યાર્થીના વજનના ૨૫ ટકા જેટલું હતું. ઓર્થોપેડિક સર્જનના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિમાં બાળકોને ખુંધ નીકળવાની સંભાવના વધારે છે.

રાજ્ય સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓના હિતમાં અનેક ઠરાવ કરવામાં આવ્યા છે. પરંતુ શાળા સંચાલકો દ્વારા તેનો અમલ કરવામાં આવતો નથી. ખાનગી શાળા સંચાલકો તો ઠીક પરંતુ ગ્રાન્ટેડ શાળાના સંચાલકો પણ સરકારના ઠરાવ અને નિયમોનું પાલન કરતા નથી. જેનું જ પરિણામ હરણી લેક ઝોનમાં બનેલી હોડી દુર્ઘટના છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષિકાના મોત નિપજ્યા હતા. ત્યારે હવે, સરકારના ભાર વિનાના ભણતરના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આજરોજ એમ એસ યુનિવર્સિટી સંચાલિત એક્સપેરિમેન્ટલ સ્કૂલના ધો. ૫થી૭ના વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનું વજન કરાયું જે ૭થી ૮ કિલો હતું.

સરકારના ઠરાવ મુજબ સ્કૂલ બેગનું વજન વિદ્યાર્થીના વઝનના ૧૦ ટકા હોવું જોઇએ. પરંતુ બાળકોની બેગનું વજન તેમના વઝન કરતા ૨૫ ટકા જેટલું જાેવા મળી રહ્યું છે. પોતાના વઝનના ૨૫ ટકા વજનની સ્કૂલ બેગ લઈને જતા બાળકોમાં હાલ, કરોડરજ્જુના પ્રશ્નો, ખભામાં દુખાવો, ગળાના ભાગે દુખાવો જેવા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

સમગ્ર બાબતે ઓર્થોપેડિક સર્જન ડૉ. મહેશ પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ બેગનું વજન ૨થી ૩ કિલો જેટલું જ હોવું જાેઈએ. પરંતુ આજના બાળકોની સ્કૂલ બેગના વજનના કારણે તેમને ખુંધ આવવાની શક્યતા વધી જાય છે. સ્કૂલ બેગ શોલ્ડર પર ઉંચકીને ચલતા હોવાથી બાળક આગળના ભાગે નમીને ચાલે છે. જેના કારણે તેમના શરીરનો બાંધો બદલાઈ જાય છે. એટલું જ નહીં વધારે વજનના કારણે કમરનો દુખાવો, ખભાનો દુખાવો, ગળાના ભાગે દુખાવો થતો હોય છે. તેમજ બાળકોને છાતીના ભાગે પણ દુખાવો થવાની ફરિયાદો મળી રહી છે. બાળકોમાં સર્વાઇકલના પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. સ્કૂલ દ્વારા બેગનું વજન ઘટાડવા તેમજ વાલીઓ દ્વારા શોલ્ડર બેગના સ્થાને હેન્ડ બેગના ઉપયોગ તરફ વળવાની જરૂરિયાત છે.

એક વિષયના ત્રણથી ચાર પુસ્તકો લાવવા પડે છે ઃ વાલી

વિદ્યાર્થીના વાલીએ જણાવ્યું હતું કે, સ્કૂલમાં બાળકોને ટાઈમ ટેબલ પ્રમાણે તમામ વિષયના પુસ્તકો, નોટ્‌સ, રફ નોટ્‌સ તેમજ વર્કબુક લઈને આવવાનું કહેવામાં આવે છે. જેથી એક વિષયના ત્રણથી ચાર પુસ્તકો બાળકો સ્કૂલે લઈને આવતા હોય છે. જેથી બેગનું વજન વધી જતું હોય છે. જે બાબતે રજૂઆત કરવામાં આવે તો શિક્ષકો કહે છે કે, અમે બાળકોને બધા જ પુસ્તકો લઈને આવવાનું કહેતા નથી. પરંતુ જયારે બાળકો પુસ્તકો ન લાવે તો તેમને સજા કરવામાં આવે છે. જેથી બાળકો શિક્ષકોની બીકના કારણે વિષયના તમામ પુસ્તકો લઈને આવે છે. સ્કૂલ બેગનું વજન એટલું વધારે હોય છે કે અમને પણ ઉંચકવામાં મુશ્કેલી પડતી હોય છે. તો નાના બાળકો તેને કઈ રીતે ઊંચકે. વધારે વજનની બેગ ઉંચકવાના કારણે બાળકોને ખભા અને કમરના ભાગે દુખવો થાય છે.

બેગના વધારે વજન માટે વાલીઓ જવાબદાર

વિદ્યાર્થીઓની બેગના વધારે વજન માટે વાલીઓ જ જવાબદાર હોવાનું કહી એક્સપિરિમેન્ટલ સ્કૂલના આચાર્ય અવની શર્માએ જણાવ્યું હતું કે, સ્કૂલ બેગનું વજન ઓછું રાખવામાં આવે છે. જેના માટે જ ટાઈમટેબલ છે. બાળકો ટાઈમ ટેબલ પ્રમાણે પુસ્તકો લઈને આવે તો સરકારના નિયમો અનુસાર જ વજન આવે. શિક્ષકના જણાવ્યા પ્રમાણે બાળકો દ્વારા પુસ્તકો લાવવામાં આવે છે પરંતુ બિન જરૂરી પુસ્તકો પણ લાવવામાં આવે છે. જેથી બેગનું વજન વધારે હોય છે. વાલીઓએ જાતે સમય આપીને બાળકોની બેગમાં પુસ્તકો મુકવા અને કાઢવા જાેઈએ. એટલું જ નહીં બાળકોના નાસ્તાના ડબ્બાના કારણે જ વજન વધી જતું હોય છે. વાલીઓ પોતે સમય આપતા નથી અને સ્કૂલનો વાંક કાઢે છે.