વલસાડ-

વલસાડ જિલ્લા એસઓજી પોલીસે જિલ્લામાં મોટાપાયે ચાલતા બાયોડીઝલ બનાવવાના એક મસમોટા રેકેટનો પર્દાફાસ કર્યો છે. પોલીસે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લાકડમાળ ગામમાં રેડ કરી અંદાજે રૂપિયા 37 લાખથી વધુની કિંમતના મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી સળીયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે રેકેટના મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓ ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જિલ્લા એસ.ઓ.જી પોલીસને જિલ્લામાં મોટાપાયે બાયોડીઝલ બનાવવામાં આવી રહ્યુ હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમી ના આધારે એસ.ઓ.જી પીઆઇ અને તેમની ટીમ આ રેકેટના મૂળ સુધી પહોંચવા કામે લાગી ગયા હતા. ધરમપુર તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ધરમપુર તાલુકાના લાકડમાળ ગામ નજીક આવેલા નાની વહિયાળના રસ્તા પરથી પસાર થતા એક ટેન્કરને પોલીસે રોકી હતી

ટેન્કરમાં ભરેલ પ્રવાહીના બિલ કે જરૂરી કાગળો અંગે ટેન્કરચાલકને પૂછપરછ કરતા ટેન્કરમાં બાયોડીઝલ ભરેલુ હોવાનું કબૂલ્યું હતું.અને આ બાયોડીઝલ નજીકમાં જ આવેલા લાકડમાળ ગામમાં આવેલા ગુંજનભાઈ ભેસાણીયાના શેડમાંથી ભરેલો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જે બાદ એસ.ઓ.જી. પી.આઇ. વી.બી બારડ અને તેમની ટીમના પીએસઆઇ એલ.જી. રાઠોડ અને કે.જે.રાઠોડ સહિત કોન્સ્ટેબલોની ટીમોએ લાકડમાળ ગામના એ શેડમાં છાપો માર્યો હતો. આ દરમિયાન પોલીસને જગ્યા પરથી કિશનભાઇ શેલડીયા નામનો વ્યક્તિ ઝડપાઈ ગયો હતો. આ શેડમાં મોટાપાયે કેમિકલ અને ઓઇલની રાસાયણિક પ્રક્રિયા કરી બાયોડીઝલ બનાવવામાં આવતું હોવાનું મશીનરી પણ મળી આવી હતી. સાથે જ સ્થળ પરથી કેમિકલ પ્રવાહીનો મોટો જથ્થો મળી આવતા સમગ્ર મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીમાં આ શેડમાં ગુંજન ભાઈ ભેસાણીયા નામનો વ્યક્તિ મુખ્ય સૂત્રધાર છે. જે ઓઇલમાં રાસાયણિક પ્રક્રિયા કરી ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવી સમગ્ર રાજ્યમાં સપ્લાય કરાવતો હતો. ઇમરાન મેમણ નામનો અન્ય એક ભેજાબાજ ટેન્કરો ભરીને બેઝ ઓઇલનો જથ્થો પૂરો પાડતો હતો અને ત્યારબાદ કેટલાક વિશેષ પ્રકારના ફિલ્ટર મશીનો દ્વારા બેઝ ઓઇલને પ્રોસેસ કરી અને ત્યારબાદ તેના પર રાસાયણિક પ્રક્રિયા કરી અને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ બનાવવામાં આવતું હતું. આ બાયોડીઝલ ને વલસાડ જિલ્લા ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને ગુજરાતની સાથે અન્ય રાજ્યમાં પણ મોટાપાયે બાયોડીઝલ આ જગ્યા પરથી પહોંચાડવામાં આવતું હતું.