શિક્ષણ મંત્રાલયનો મહત્વનો નિર્ણય, TET સર્ટિફિકેટની માન્યતા 7 વર્ષથી વધારીને આજીવન કરાઈ
03, જુન 2021 1980   |  

અમદાવાદ-

શિક્ષક બનવા માંગતા યુવાનો માટે એક મોટો સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે TET માટેની માન્યતાની ઉંમર સાત વર્ષને બદલે આજીવન કરી દીધી છે. શિક્ષણ મંત્રાલયે આજે આ આદેશ જારી કર્યો છે. આ ઓર્ડર 2011 થી આ પરીક્ષામાં પાસ થયેલા તમામ ઉમેદવારોને લાગુ પડશે. 11 ફેબ્રુઆરી, 2011 નાં રાષ્ટ્રીય શિક્ષક પરિષદની માર્ગદર્શિકામાં જણાવાયું છે કે રાજ્ય સરકાર TET નું સંચાલન કરશે અને TET લાયકાત પ્રમાણપત્રની માન્યતાનો સમયગાળો પરીક્ષા પાસ થવાની તારીખથી સાત વર્ષનો રહેશે.

TET એ વ્યક્તિ માટે શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે પાત્ર બનવા માટેની આવશ્યક લાયકાતોમાં એક ગણાય છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયાલ ‘નિશંક’ એ જાહેરાત કરી છે કે, વર્ષ 2011 થી TET ની આજીવન માન્યતા લાગુ થશે. એટલે કે, જે ઉમેદવારોએ 2011 માં TET પાસ કર્યું છે, તેમના TET પ્રમાણપત્રો પણ આજીવન માન્ય રહેશે. પોખરીયાલે કહ્યું કે, શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારોને રોજગારની તકો વધારવાની દિશામાં આ એક સકારાત્મક પગલું હશે. શિક્ષણમંત્રીએ કહ્યું કે, ઉમેદવારો અથવા વિદ્યાર્થીઓ કે જેના પ્રમાણપત્રને સાત વર્ષ પૂર્ણ થયા છે, આ સંદર્ભે સંબંધિત રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રશાસન, TET ની માન્યતા અવધિમાં ફેરફાર કરવા અથવા નવું TET પ્રમાણપત્ર જારી કરવા જરૂરી પગલાં લેશે. તેમણે કહ્યું હતું કે આ પગલાથી ઉમેદવાર જેઓ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઇચ્છે છે તેમને રોજગારની તકોમાં વધારો થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution