મોરબી, મોરબી જિલ્લાના હળવદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે જ હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો છે. આજે ગુરૂવારે એક જ દિવસમાં હડકાયા કુતરાએ ૨૩ લોકોને બચકાં ભરી લેતા શહેરમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સુવિધા વગરની હળવદ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી ન હોવાથી ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટેના ઇન્જેક્શન માટે મોરબી તેમજ સુરેન્દ્રનગર દોડવું પડ્યું હતું.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજે ગુરૂવારે હળવદ શહેરના ધ્રાંગધ્રા દરવાજા વિસ્તારમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવી એક પછી એક એમ ૨૩ લોકોને બચકાં ભરી લીધા હતા. જેને લઈ આ વિસ્તારમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. હડકાયા કૂતરાના આતંકના લીધે આસપાસના વિસ્તારના લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.હળવદ સરકારી હોસ્પિટલમાં દશેરાના દહાડે જ ઘોડું ન દોડે ઉક્તિ મુજબ હડકવા વિરોધી રસીનો સ્ટોક જ ઉપલબ્ધ ન હોય મોટા પ્રમાણમાં હડકાયા કૂતરાનો ભોગ બનેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. પરંતું હોસ્પિટલમાં હડકવા વિરોધી રસીનો પૂરતો સ્ટોક જ ન હોય લોકોને પોતાના ખર્ચે અને જાેખમે સારવાર કરાવવા માટે મોરબી અને સુરેન્દ્રનગર તરફ દોટ મુકવી પડી હતી.

વસાપડા ગામે માતા પાસે સુઇ રહેલા બાળકને દીપડાએ ફાડી ખાધો

જૂનાગઢ જિલ્લાના વંથલી પંથકમાં દીપડાના આતંક વધતો જાય છે. હાલ રવિ સીઝનનો પ્રારંભ થયો હોવાથી ખેડુતો સીમ-વાડીમાં કામ કરી રહ્યા છે. ત્યારે દીપડાના આતંકથી ખેડુતો ડરી રહ્યા છે. તાજેતરમાં વંથલીના વસાપડા ગામની સીમમાં દીપડાએ ૫ વર્ષના માસૂમ બાળકને ફાડી ખાદ્યો હતો. દાહોદનો શ્રમિક પરિવાર કામ અર્થે વસાપડા ગામે આવ્યો હતો. રાત્રે ઘરનો દરવાજાે ભૂલથી ખુલ્લો રહી ગયો હતો. ૫ વર્ષનો માસૂમ યોગેશ માતા પાસે સૂતો હતો. તે દરમિયાન દીપડો ઘરમાં દીપડો ઘૂસી આવ્યો હતો અને બાળકને ઢસડીને બહાર લઈ જઈ તેના પર હુમલો કર્યો હતો. જેમાં બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં લઈ જવાયો છે. જ્યારે દીપડાને પકડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. બીજીતરફ ઘટનાને લઈ ગામમાં ભયની સાથે આક્રોશનો માહોલ જાેવા મળ્યો છે.સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે ૩ મહિના પહેલા જ ભાવનગર અને અમરેલી પંથકમાં પણ દીપડાના આંતકની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી. ૩ જેટલા વ્યક્તિ પર દીપડાએ હુમલો પણ કર્યો હતો.