આણંદ 

અમૂલના નિયામક મંડળને આગામી પાંચ વર્ષ માટે ચૂંટી કાઢવા આણંદમાં આજે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ ઉત્સાહભેર મતદાન થયું હતું. કોવિડ-૧૯ની ગંભીર સ્થિતિ વચ્ચે ઠેર-ઠેર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરવામાં આવી રહ્યો હોવાનું નજરે ચઢતું હતું.

આણંદ, ખેડા અને મહિસાગરના કુલ ૧૨૪૦ ડેરીના પ્રતિનિધિઓ આજે અમૂલના નિયામક મંડળની ચૂંટણીમાં મતદાન કરવાના હતાં. સવારના નવ વાગ્યાથી જ બસો અને કારોમાં વિવિધ સ્થળોએથી મતદારોએ આવીને મતાધિકારનો પ્રયોગ શરૂ કર્યો હતો. બપોર સુધીમાં તો ઓલમોસ્ટ ૯૯ ટકા જેટલું મતદાન પૂરું થઈ ગયું હતું. આણંદના ખંભાત, પેટલાદ, ખેડાના કપડવંજ અને મહિસાગરની બાલાસિનોર બેઠક પર બપોર સુધીમાં સો ટકા મતદાન થયું હતું.

સહકારી ક્ષેત્રની સૌથી મોટી ડેરી અમૂલની ચૂંટણી હોવાથી ઉત્તેજનાનો માહોલ હતો. મંડળી વિભાગની કુલ ૧૧ બેઠકો પર મતદાન યોજાયું હતું. એક બેઠક પહેલાં જ બિનહરિફ બની ગઈ હતી. અમૂલ કેમ્પસમાં આવેલી પાંચ ઈમારતમાં ૧૧ મતદાન મથકો બનાવાયાં હતાં. કોવિડ-૧૯ની સ્થિતિ જાેતાં બધા મતદાન મથકો પર થર્મલ સ્ક્રીનિંગ, સેનિટાઇઝર ટનલ મૂકવામાં આવી હતી. ઉપરાંત અમૂલના મુખ્ય ગેટ પર પણ એક સેનિટાઇઝ કરતી ટનલ ઊભી કરવામાં આવી હતી.

સવારથી જ અમૂલ ડેરી રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. આ વખતની ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિત રાજકીય નેતાઓ પણ મેદાનમાં હતાં. ચૂંટણી લડી રહેલાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો અને અગ્રણી સહકારી આગેવાનોએ પોતાના સમર્થક મતદારોને એક પછી લાવીને મતદાન કરાવ્યું હતું. લગભગ ત્રણેક કલાકમાં મોટાભાગનું મતદાન થઈ ચૂક્યું હતું. દૂરથી આવતાં અમૂક મતદારો બાકી રહ્યાં હતાં.

૧૨૪૦ મંડળીઓનું નિયામક મંડળ ચૂંટવા કવાયત

આજે યોજાયેલી વિશ્વ વિખ્યાત આણંદની અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ૧૧ બેઠકો માટે ૩૧ ઉમેદવારો મેદાનમાં હતાં. ચૂંટણીને લઇ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની ૧૨૪૦ જેટલી મંડળીના સભ્યોને મતદાનનો અધિકાર છે.

આ ચૂંટણી રાજકીય પ્રતિષ્ઠાનો જંગ સમાન

ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લાની દૂધ મંડળીઓ અમૂલ ડેરીની સભાસદ છે. દર પાંચ વર્ષે યોજાતી નિયામક મંડળની ચૂંટણીમાં કુલ ૧૨ ડિરેક્ટરને ૧૨ બ્લોકમાંથી લોકશાહી પદ્ધતિએ સભાસદો દ્વારા ચૂંટવામાં આવે છે. ૭૫૦૦ કરોડથી વધુના વહીવટ માટે આ ચૂંટણી રાજકીય અને સહકારી આગેવાનો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહી છે.

૭૫૦૦ કરોડની મલાઈ પર કબજા માટે જંગ

અમૂલ ડેરીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે ૭૫૦૦ કરોડની આસપાસ પહોંચી ગયું છે. અબજાેનો વહીવટ ધરાવતી અમૂલ ડેરીની ચૂંટણી માટે ધારાસભ્યો તેમજ સહકારી આગેવાનોએ આ વખતે ચૂંટણીમાં કૂદાવ્યું છે. અત્યાર સુધીમાં અમૂલના ચેરમેનપદે રામસિંહ પરમાર અને રાજેન્દ્ર સિંહ પરમારની જાેડી ચાલતી આવી છે. આ વખતે જાેવાનું રહે છે કે, કોના માથે તાજ પહેરાવવામાં આવે છે.

આ વખતે પેનલ જાહેર ન કરાતાં તડજાેડ વધશે

હાલ મંડળીના ચેરમેનપદે રામસિંહ પરમાર છે. તેઓ ૨૦૧૭માં ભાજપમાં જાેડાયાં બાદ આ પ્રથમ ચૂંટણી આવી છે. આ વખતની ચૂંટણીમાં કોઈ જ પેનલ જાહેર કરવામાં આવી નથી. જેને લઈ આ સામાન્ય ચૂંટણી બાદ આવનાર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં મોટાપાયે તડજાેડની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

બાકી મતદારોને મતદાન મથક લાવવા કવાયતો કરાઈ

જાેકે, બપોરે ૧ વાગ્યા પછી મતદાન મથકે નહીં પહોંચેલાં મતદારોનો સંપર્ક કરીને બોલાવવાની કવાયતો તેજ થઈ ગઈ હતી. પોતાના સમર્થક મતદારો રસ્તામાં છે કે ક્યાં પહોંચ્યા છે તેની પૂછપરછ મોબાઇલ ફોન દ્વારા શરૂ કરવામાં આવી હતી.

પૂર્વ ચેરમેન બિનહરીફ અને પૂર્વ વાઇસ ચેરમેનની જીત નક્કી

ઠાસરા મતદાર મંડળીમાંથી પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર અગાઉ બિનહરીફ ચૂંટાઈ ગયાં છે, જ્યારે પૂર્વ વાઇસ ચેરમેન અને બોરસદ બેઠક પરથી ચૂંટણી લડી રહેલાં રાજેન્દ્રસિંહ પરમારની તરફેણમાં બે દિવસ પહેલાં જ તેમના હરિફ ઉમેદવાર જીતેન્દ્ર પટેલે ટેકો જાહેર કરી દેતાં તેઓની જીત નિશ્ચિત છે.

બોરસદ, મહેમદાવાદ, નડિયાદને છોડીને બધી બેઠક પર ૧૦૦ ટકા મતદાન

બોરસદ, મહેમદાવાદ, નડિયાદને છોડીને બધી બેઠક પર ૧૦૦ ટકા મતદાન થયું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ, ૧૦૪૯ મતદારોમાંથી ૧૦૪૬ મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. અમૂલના મતદાનની ટકાવારી ૯૯.૭૦ જેટલી રહી હતી.

અમૂલ ડેરી રોડ બંધ કરાતાં લોકોને અગવડતાનો સામનો કરવો પડ્યો

અમૂલની ચૂંટણીને લઈને ગણેશ ચોકડીથી આણંદ શહેરમાં આવવવાનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. આજે શહેરીજનોને ભારે અગવડતા પડી હતી. લોકોએ ફરીને જવાનો વારો આવ્યો હતો.

૩૧મી ઓગસ્ટે મતગણતરી થશે

૧૧ બેઠકો પર ચૂંટણી લડી રહેલાં ૩૧ ઉમેદવારોની ભાવિ મતપેટીમાં સીલ થઈ ચૂક્યું છે. હવે ૩૧ ઓગસ્ટે સવારથી મત ગણતરી યોજવામાં આવશે.