આણંદ : આણંદના મંગળપુરા વિસ્તારમાં આવેલાં તેજસનગરની પાછળના યમુના પાર્ક પાસે સોમવારે રાત્રીનાં સુમારે પશુપાલક યુવાનની છાતીમાં છરો મારીને કરપીણ હત્યા કરી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે ટાઉન પોલીેસે હત્યા અને લુંટનો ગુનો દાખલ કરીને આરોપીઓને કર્યાં હોવાની માહિતી સામે આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, સોમવારે રાત્રીના સુમારે આણંદ ખાતે રહેતાં ફરહાન મેમણ અને તેનાં સાથીને વૈભવ છોટાભાઈ ગોહેલ સાથે અગાઉ કુતરાં બાબતે થયેલાં ઝઘડાની અદાવતમાં ફરી ઝઘડો થયો હતો. ફરહાન અને તેનો સાથી રાત્રીના સાડા અગિયાર વાગ્યાની આસપાસ આણંદના મંગળપુરા રોડ ઉપર આવેલાં યમુના પાર્ક પાસે ગયાં હતાં. ત્યાં વૈભવ સાથે ઝઘડો કરીને તેને ઉપરાછાપરી છરાના ઘા મારી દેતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. દરમિયાન આસપાસના રહીશો અને અન્ય શખસો ભેગાં થઈ જતાં ફરહાન અને તેનો સાગરિત ત્યાંથી ભાગી ગયાં હતાં. બીજી બાજુ ગાયોની રેખેવાડી કરવા માટે રાત્રીનાં સુમારે ફરતાં ભાસ્કરભાઈ ઊર્ફે વિષ્ણુભાઈ ચરણભાઈ રબારી ત્યાં જઈ પહોંચતા જ ભાગતાં બંને શખસોએ ભાસ્કર ઊર્ફે વિષ્ણુને રોકીને બાઈકની માગણી કરી હતી. જાેકે, તેણે બાઈક ન આપતાં એક શખસે વિષ્ણુને પકડી રાખ્યો હતો અને બીજાએ છરાનો ઘા છાતીમાં મારી દેતાં વિષ્ણુએ બાઈક છોડી દીધું હતંુ. તે ત્યાં જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો.

આ તરફ બાઈક લઈને બંને શખસો ત્યાંથી ભાગી ગયાં હતાં. ઘટનાની જાણ શહેર પોલીસને કરવામાં આવતાં જ પીઆઈ વાય. આર. ચૌહાણ પોલીસની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. ગંભીર રીતે ઘવાયેલાં વૈભવને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યારે ભાસ્કર ઊર્ફે વિષ્ણુને છાતીમાં જ છરો વાગતાં લોહી વહી જવાને કારણે સ્થળ પર જ મોત થયું હતું. તેની લાશને પીએમ માટે જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી.

પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ફરાર થઈ ગયેલાં બંને આરોપીઓેને રાઉન્ડ અપ કરી લીધાં હતાં અને કોરોના ગાઇડલાઇન મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઈને સમગ્ર ગણેશ ચોકડી વિસ્તારમાં ઘેરાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

બાઇકની લૂંટ કરવા હત્યા કરી નાખી

વૈભવને છરો મારી ભાગી રહેલાં ફરહાન અને આકાશ થાકી જતાં ભાસ્કર ઊર્ફે વિષ્ણુની બાઈક લૂંટવાનો પ્રયાસ કર્યો. જાેકે, વિષ્ણુએ પ્રતિકાર કરતા આકાશ અને ફરહાને પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલાં ભાસ્કર ઊર્ફે વિષ્ણુનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. બંને આરોપીઓ મોટર સાયકલની લૂંટ ચલાવી સ્થળ પરથી ભાગી છૂટ્યાં હતા.

ગાય શોધવા નીકળેલાં યુવકને મોત મળ્યું

ભાસ્કર ઊર્ફે વિષ્ણુ રાત્રિના સમયે પોતાની ગાયને વાળવા માટે ગણેશ ચોકડી વિસ્તારમાં જઈ રહ્યો હતો. આ જ સમયે બંને આરોપીઓ વૈભવ પર હુમલો કરી ભાગી રહ્યાં હતાં. ત્યારે જ નિર્દોષ યુવાન ભાસ્કર ઊર્ફે વિષ્ણુ બંને શખસોની સામે આવી જતાં હત્યા નિપજાવી હતી.

આરોપીઓ સામે હત્યા, હત્યાના પ્રયાસ અને લૂંટનો ગુનો

આકાશ અને ફરહાન સામે આણંદ પોલીસે વૈભવ પર હુમલા મામલે હત્યાની કોશિશ, વિષ્ણુની હત્યા મામલે હત્યાની અને મોટર સાયકલ લૂંટની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. બંને આરોપીઓ પોલીસના હાથવેંચમાં જ હોવાનું જાણવા મળ્યું છે.