દિલ્હી-

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના જાત-ભાડલીમાં લૂંટની ઘટના સામે આવી છે. અહીં ભિક્ષુકનો વેશ ધારણ કરીને આવેલા શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો. ગામમાં બાવાના વેશમાં હરિયાણા પાસિંગની કાર લઈને આવેલા ત્રણ શખ્સોએ સોનાની મરકી અને રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવી અને આ શખ્સો ભાગવા ગયા હતા, પરંતુ તેમની કાર પાછળ ગ્રામજનોએ ટ્રેક્ટર લઈને પીછો કર્યો હતો. રેતાળ વિસ્તારમાં હરિયાણા પાસિંગની મારૂતિ સ્વીફ્ટ ફસાઈ જતા લૂંટારૂઓ ભાગવામાં નિષ્ફળ રહ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે જાત અને ભાડલી ગામ પાસે લૂંટની ઘટના બની હતી. અહીં ભિક્ષુકના વેશમાં આવેલા ત્રણ શખ્સોએ રાહદારીઓને રસ્તો પૂછવાનું કહી મંત્રેલું પાણી પીવડાવી અને સોનાની મરકી અને રોકડ સહિતની મતાની લૂંટ ચલાવી હતી. ભોગ બનનાર કંઈ સમજે તે પહેલાં જ આ લૂંટારૂઓ નાસી ગયા હતા. લૂંટ કરીને શખ્સો ભાગ્યા તો ગ્રામજનોએ તેમનો પીછો કર્યો હતો. લૂંટારૂઓની કારે રેતાળ વિસ્તારમાં દગો આપતા ફસાઈ ગઈ હતી અને ગામલોકો આ અપરાધીઓને પકડવામાં સફળ રહ્યા હતા.

લૂંટારૂઓને ઝડપી પાડીને ગ્રામજનોએ પાંથાવાડા પોલીસ મથકમાં સોપ્યા છે. હરિયાણા પાસીંગની મારૂતિ સ્વીફ્ટ ડિઝાયર કાર લઇને આવેલા ત્રણ શખ્સોની પૂછપરછ ચાલી રહી છે અને તેમની કાર પણ જપ્ત કરવામાં આવી છે. આ લૂંટારૂઓ અગાઉ પણ જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી ચુક્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમની કોઈ ટોળકી પણ અહીં સક્રિય છે. અત્યારે પોલીસ આ ત્રણેયની પૂછપરછ કરી રહી છે.