મહુધા : મહુધા હેરંજ ગામે ગત ૨૦મી સપ્ટેમ્બરે પત્નીનાં આડા સંબંધનાં વહેમને લઈ જમાઈએ પત્ની અને સાસુને કોદાળી વડે માર માર્યો હતો. સાસુને ગંભીર ઈજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન સાસુનું મૃત્યુ નીપજ્યું હતું, જેથી મહુધા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મહુધા તાલુકાના હેરંજ ગામે પત્નીનાં આડાં સંબંધનો વહેમ રાખી પત્ની સાથે ઝઘડો કર્યો હતો, જેની અદાવત રાખી પત્ની અને સાસુને કોદાળીના ગામમાં ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. મળતી માહિતી અનુસાર, હેરંજનાં મંજુલાબેન કનુભાઈ વસાવા (ઉ.વ.૫૦)ની દીકરી અંજનાબેનનાં લગ્ન સુઈ ગામના રાકેશભાઈ મનહરભાઈ સાથે થયાં હતાં. આ દરમિયાન તાજેતરમાં અંજનાબેન અને રાકેશભાઈ પોતાની પિયર હેરંજમાં રહેવા આવ્યાં હતાં. રાકેશભાઈએ પત્ની સામે આડા સંબંધનો વહેમ રાખી ઝઘડો કર્યો હતો. સાસુએ છોડવા જતાં પત્ની અને સાસુ પર કોદાળીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. માતા અને પુત્રી લોહીલુહાણ થઈ ગયાં હતાં, જેથી પુત્રી અને માતાને ગંભીર ઈજા પહોંચતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે માતા મંજુલાબેન વસાવાને મૃત જાહેર કર્યાં હતાં. આ બનાવ અંગે પુત્રી અંજનાએ મહુધા પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ મહુધા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. આજે બાતનીના આધારે મહુધા પોલીસે આરોપી રાકેશને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.