જવાહરનગર કસ્ટોડિયલ ડેથમાં વળાંક ફરિયાદીની જ ધરપકડ કરતી પોલીસ
18, ફેબ્રુઆરી 2021

વડોદરા : વડોદરા શહેરના જવાહરનગર પોલીસે સોમવારે મોડી રાત્રે અટકાયત કર્યા બાદ જમીનદલાલના રહસ્યમય મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. વડોદરાના બાજવા-કરચિયા રોડ પર આવેલા જલારામનગરમાં રહેતા જમીનદલાલના બાજવા-કરચિયા રોડ પર આવેલા ગિરિરાજ ફલેટમાં રહેતી પરિણીતા સાથે આડાસંબંધ હતા. પરિણીતાના પતિએ બંનેને ઘરમાં જાેઈ જતાં જમીનદલાલની હત્યા કરી નાખી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે અને આરોપીએ જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને વર્ધી આપી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક જમીનદલાલના પરિવારજનોએ પોલીસે માર મારતાં તેનું મોત થયું હોવાના આક્ષેપો કર્યા હતા. પરંતુ પોલીસે અલગ થિયર રજૂ કરી ગુનો ડિટેક્ટ કરી નાખ્યો હોવાનો દાવો કર્યો છે.

શહેર નજીક બાજવા ગામમાં ૩ જલારામનગરમાં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ પઢિયાર (ઉં.વ.૪૦), પત્ની જશોદાબેન અને માતા સાથે રહેતા હતા. તેઓ જમીન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. સોમવારે મોડી રાત્રે બાજવા-કરચિયા રોડ પર આવેલ ગિરિરાજ ફલેટમાં રહેતા મહેશ જનકભાઈ પંચાલે પોલીસ કંટ્રોલ રૂમને વર્ધી આપી હતી જેને આધારે પોલીસ મહેશ જનકભાઈ પંચાલ અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈ પઢિયારની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી. આ દરમિયાન મહેન્દ્રભાઈને અચાનક ગભરામણ થતાં પોલીસે તેને બાજવાના સરકારી દવાખાનામાં લઈ ગઈ હતી, જ્યાં પોલીસે તેને મૃત જાહેર કર્યો હતો. આમ જમીનદલાલનું રહસ્યમય મોત થતાં પરિવારજનો સયાજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈનું મોત પોલીસના મારથી થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા અને જ્યાં સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જાે કે, રિપોર્ટમાં નાકના હાડકાંમાં ફ્રેકચર અને કપાળના ભાગે ખરોચ હોવાનું બહાર આવ્યું છે.પરિવારજનોના આક્ષેપને પગલે જવાહરનગર પોલીસ અને એસીપી બકુલ ચૌધરીએ સઘન તપાસ શરૂ કરી હતી અને મૃતકનું સયાજી હોસ્પિટલમાં પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં કપાળ અને નાકના ભાગે ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે મહેશ પંચાલની પૂછપરછ કરતાં એમાં પણ મહેન્દ્રને માર માર્યા બાદ મોત થયું હોવાનું ખૂલ્યું હતું. જવાહરનગર પોલીસે મૃતકના ભત્રીજા નિલેશ સોલંકીની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મૃતક જમીનદલાલ મહેન્દ્ર ઉર્ફે મહેશભાઈ પઢિયારના મહેશ પંચાલની પત્ની સાથે અનૈતિક સંબંધો હતા અને મહેશ તેની પત્ની અને મહેન્દ્રને તેમના ઘરમાં સાથે જાેઈ ગયો હતો, જેથી ઉશ્કેરાઈ જઈને મહેશે મહેન્દ્રને માર માર્યો હતો, ત્યાર બાદ મહેન્દ્રનું મોત થયું હતું.

પોલીસની થિયરી ગળે ઉતરે એવી નથી

વડોદરા પોલીસની બદનામી ન થાય એ માટે ઉતાવળે પોલીસે ગુનો ડિટેક્ટ થયો હોવાનું જાહેર કર્યું છે એવો આક્ષેપ કરી મૃતકના સગાંઓએ કેટલાક સવાલ ઊભા કર્યા છે. જાે સ્થળ ઉપર જ મહેશભાઈનું મોત નીપજે એવો માર મારવામાં આવ્યો હતો, તો પછી સીધા દવાખાનાને બદલે પોલીસ મથકે કેમ લવાયો? જ્યારે હત્યા માટે વપરાયેલ હથિાયર કેમ જાહેર નથી કરાયું? મૃતકની પત્ની સ્થળ ઉપર હાજર હતી એમનું કહેવું છે કે સામાન્ય ઝપાઝપી થઈ હતી, પરંતુ મોત થઈ જાય એવો માર મરાયો જ નથી. આમ પોલીસની થિયરી ગળે ઉતરે એવી નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution