જૂનાગઢ, જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીની કામગીરી પૂર્ણ થયા બાદ નાણાંની ચૂકવણી પણ કરી દેવામાં આવી છે. આમ, જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઇ છે. તમામ ખેડૂતોને નાણાં ચૂકવાઇ ગયા છે. નાણાં મળી જતા હવે વાવતેર માટે બિયારણ, ખાતર, દવા વગેરે ખરીદી શકશે.આ અંગે ડિસ્ટ્રીક્ટ સપ્લાયર મામલતદાર એન. કે. મોરીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લામાં ૧ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરી સુધી ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાયું હતું અને ૮ માર્ચથી ખરીદી શરૂ કરાઇ હતી.ચણાનો ટેકાનો ક્વિન્ટલનો ભાવ ૫,૧૦૦ રહ્યો હતો. જ્યારે ઘઉંમાં પણ ૮ માર્ચથી ૩૧ માર્ચ સુધી રજીસ્ટ્રેશન કરાયું હતું અને ૧ એપ્રિલથી ખરીદી શરૂ કરાઇ હતી. ૨૦ કિલો ઘઉંનો ટેકાનો ભાવ ૩૯૫ રૂપિયા રહ્યો હતો. અત્યાર સુધીમાં ચણાના ૧૩,૮૫૨ અને ઘઉંના ૪,૧૦૪ મળી કુલ ૧૭,૯૫૬ ખેડૂતોએ પોતાની જણસી ટેકાના ભાવે વેંચી છે. સરકારે ચણાના ૬૮,૫૦,૨૪,૩૫૦ રૂપિયા અને ઘઉંના ૪૨,૭૫,૬૧,૮૨૫ મળી કુલ બન્ને જણસીના ૧,૧૧,૨૫,૮૬,૧૭૫ રૂપિયાનું ચૂકવણું પણ કરી દીધું છે.