કચ્છમાં SOGએ માછીમારને 7.50 લાખની કિંમતનાં ચરસનાં જથ્થા સાથે ઝડપ્યો
19, સપ્ટેમ્બર 2020

અમદાવાદ-

કચ્છમાંથી અવારનવાર ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે કચ્છ પોલીસે એક માછીમાર શખ્સ સહિત ત્રણ શખ્સોને સાડા ૭ લાખની કિંમતના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યાં છે. આરોપી અબડાસાના રાપર ગઢવારીનો રામજી કોલી માછીમાર છે. બે-અઢી માસ અગાઉ તેને દરિયાકાંઠેથી બીનવારસી ચરસના ૫ પેકેટ મળ્યાં હતા. આ પેકેટ પોલીસને આપવાના બદલે તેણે રોકડી કરવાના હેતુથી પોતાની પાસે રાખ્યાં હતા.

રામજીએ પોતાના પરિચયમાં રહેલાં ગાંધીધામના નરેશ સોમાલાલ શાહને ગ્રાહક શોધી ચરસનું વેચાણ કરી આપવા જણાવ્યું હતું. નરેશે બે-ચાર લોકોને આ અંગે વાત કરી હતી..જે અંગે એસઓજીને બાતમી મળી હતી કે ચરસનો મોટો સોદો મુદ્રામાં ફાઈનલ થયો છે જેના આધારે રેડ પાડતા ત્રણેયને ૩ કિલો ચરસ સાથે ઝડપી પાડ્યાં હતા. અને આરોપી રામજી કોલીની પૂછપરછ હાથ ધરતા એક પેકેટ પોતાના ઘરે લીમડાના ઝાડ નીચે દાટી રાખ્યું હોવાનું અને એક કિલો માલ ઘરની અભેરાઈ પર રાખ્યો હોવાનું જણાવતાં તેના ઘરે જડતી કરી બાકીનો માલ કબ્જે કરાયો હતો.આરોપીઓ પાસેથી કુલ ૭ લાખ ૬૯ હજાર ૫૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution